તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સુરેન્દ્રનગરમાં સચરાચર મેઘસવારી :સવા 6 ઈંચ વરસાદમાં સાયલા ગરકાવ :થાનગઢમાં બે કલાકમાં પોણા 3 ઈંચ ખાબક્યો
વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ભોગાવવા નદીમાં પાણી છોડવામાં આવ્યું: નાયકા ડેમના 3 દરવાજા બે ફૂટ ખોલાયા : નીચાણવાસમાં આવતા 7 ગામના લોકોએ એલર્ટ રહેવાની સૂચના

મેઘરાજાએ આગમનની સાથે જ તોફાની બેટિંગ કરતાં ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 176 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 6.7 ઈંચ વરસાદ બોટાદ જિલ્લાના બરવાળામાં ખાબક્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના સાયલામાં સવા 6 ઈંચ, મૂળીમાં 5.3 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 4.7 ઈંચ, બોટાદમાં 4.6 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢ અને ભાવનગરના વલ્લભીપુરમાં 4.1 ઈંચ તેમજ સુરેન્દ્રનગરના ચુડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
આમ આજે આખા દિવસ દરમિયાન 36 તાલુકામાં 1 ઈંચથી વધુ, 21 તાલુકામાં 2 ઈંચથી વધુ, 10 તાલુકામાં 3 ઈંચથી વધુ, 7 તાલુકામાં 4 ઈંચથી વધુ અને 3 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જો બપોરે 2 થી 4ના વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાક દરમિયાન 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નોંધાયો છે. આ સિવાય જામનગરના જોડિયામાં 60 મિ.મી, મોરબીના માળિયામાં 51 મિ.મી, મોરબીમાં 38 મિ.મી, કચ્છના રાપરમાં 26 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના તાલુકામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેમાં સાયલા (158 મિ.મી), મૂળી (135 મિ.મી), થાનગઢમાં (105 મિ.મી),ચૂડામાં (98 મિ.મી), વઢવાણમાં (57 મિ.મી), ચોટીલામાં (44 મિ.મી) અને લીમડીમાં (34 મિ.મી) વરસાદ નોંધાયો છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
