<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ પરિવારને સોંપતી વેળાએ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા :દરેકની આંખો ભીની થઇ

પિતાએ પોતાની દીકરીનું અને વૃદ્ધ દાદા-દાદીએ પૌત્રી-પૌત્રનું છેલ્લી વાર મોઢું જોવા માટે આગ્રહ કર્યો: સિવિલ સ્ટાફ, સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓથી લઈને સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ

અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટના દરેકના કાળજે ઘા કરી ગઈ છે, રાજસ્થાનના ઉદેપુરના એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહના કોફિન સોંપતી વખતે પિતાએ પોતાની દીકરીનું અને વૃદ્ધ દાદા-દાદીએ પૌત્રી-પૌત્રનું છેલ્લી વાર મોઢું જોવા માટે આગ્રહ કર્યો હતો. તેમને સમજાવવામાં સિવિલ સ્ટાફ, સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓથી લઈને સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી. સમજાવટ પછી પરિવાર બંધ કોફિનને ન ખોલવા સહમત થતા છેવટે પોલીસ અને અધિકારીઓની સાથે મૃતદેહ સોંપાયા અને અમદાવાદમાં જ અંતિમક્રિયા કરવામાં આવી હતી.

મૂળ રાજસ્થાનના ઉદેપુરના અને યુકેમાં સ્થાયી થયેલા પ્રતીક જોશી, મિરાયા જોશી, નકુલ જોશી, પ્રદ્યુત જોશી અને કૌમી વ્યાસ એમ એક જ પરિવારના પાંચ સભ્યો એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઇનર 787-8 ના પેસેન્જર હતા. આ પાંચેયના સાવ ભડથુ થયેલા મૃતદેહ માનવ અંગોના DNA રિપોર્ટ એક પછી એક એમ મંગળવારની સવારે આવી ચુક્યા હતા. પાંચેય મૃતદેહને એક સાથે સ્વીકારી શકાય તેના માટે પરિવારજનોએ ઉદેપુરથી વડીલોને સૌથી છેલ્લે અમદાવાદ બોલાવ્યા હતા.

મંગળવારની સાંજે છ વાગ્યા આસપાસ સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલ સામે પોસ્ટમોર્ટમ રૂમ બિલ્ડિંગમાં રાજસ્થાનના આ પરિવાર હાજર હતો ત્યારે તેમાંથી કૌમી વ્યાસના પિતાએ છેલ્લીવાર દીકરીનું મોઢું જોવા, દાદા-દાદીએ પૌત્ર- પૌત્રી મિરાયા, નકુલનું મોંઢુ જોવા રડતા રડતા લાગણી વ્યક્ત કરતા વજ્જરની છાતી ધરાવતા વ્યક્તિનું કાળજુ કંપાવે સ્થિતિ ઉદભવી હતી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, પ્લેનક્રેશના મૃતકોની સ્થિતિનુ વર્ણન શક્ય નથી. પહેલાથી જ અહીં અસહ્ય દુર્ગંધ છે.

(12:13 PM IST)