<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ગાંધીનગરના કુડાસણમાં થયેલી ૨૫ લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો : છારા ગેંગનો સાગરીત ૧૯.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાન્ચના વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ દીપક ઢોલાની ટીમે આ સફળ કામગીરી પાર પાડી

હોટલના પાર્કિંગમાં ઇનોવા કારનો કાચ તોડી આંગડિયાના રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરનાર ૬૦ વર્ષીય આરોપીની નરોડાથી ધરપકડ : ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ પણ કબજે : વોન્ટેડ આરોપી અને અન્ય બે સાગરિતોને પકડવા તપાસ ચાલુ : આરોપીનો લાંબો ગુનાહિત ઇતિહાસ

રાજકોટ, 18 જૂન, 2025: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીનગર જિલ્લાના કુડાસણ ખાતે તાજેતરમાં થયેલી રૂપિયા ૨૫ લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે છારા ગેંગના એક સાગરીત જયંતીભાઈ નારણભાઈ ભીમાભાઈ દિદાવાલા (ઉ.વ. ૬૦, રહે. મહાજનીયા વાસ, નરોડા પાટિયા, અમદાવાદ) ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના ૧૯,૬૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને વધુ તપાસ માટે ગાંધીનગર પોલીસને સોંપી દીધા છે.

પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાન્ચના વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ દીપક ઢોલાની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જયંતીભાઈ અને તેના સાગરિતો ગાંધીનગર શહેરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં રૂપિયા લેવા આવતા લોકોને ટાર્ગેટ કરતા હતા. આ ગેંગ રૂપિયા લઈને જતા વાહનો પર નજર રાખતી અને સરનામું પૂછવાના બહાને ચાલકની નજર ચૂકવીને ગુનાને અંજામ આપતી હતી.
બનાવની વિગત એવી છે કે, કુડાસણ વિસ્તારમાં આવેલી હોટલ શ્રી ઉગતીના પાર્કિંગમાં પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી રોકડા રૂ. ૨૫,૦૦,૦૦૦/- ભરેલી બેગની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાની તપાસ શરૂ કરતા બાતમીના આધારે છારા ગેંગના સાગરીત જયંતીભાઈને ચોરીના રૂપિયા ૧૯,૬૦,૦૦૦/- અને ગુનામાં વપરાયેલી હોન્ડા ૧૨૫ ડીસી મોટરસાયકલ (કિં.રૂ. ૪૦,૦૦૦/-) તથા એક મોબાઈલ ફોન (કિં.રૂ. ૫,૦૦૦/-) સાથે નરોડા પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. ૨૦,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપી જયંતીભાઈનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. તેની વિરુદ્ધ સરદારનગર, નરોડા, કાગડાપીઠ, માધવપુરા, નવરંગપુરા, એલિસબ્રિજ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બી.એન.એસ. કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે.
પોલીસ હવે આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી નકુલ ઉર્ફે બાડો રાજુભાઈ તમંચે અને તેના અન્ય બે સાગરિતોને પકડવા માટે તપાસ ચલાવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી ગાંધીનગર પંથકમાં થયેલી મોટી લૂંટનો ભેદ ઉકેલાયો છે અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવવામાં પોલીસને સફળતા મળી છે.

 

(5:30 PM IST)