તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
રાત્રે 8 સુધીમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદી માહોલ : આહવામાં સૌથી વધુ સવા 7 ઈંચ ખાબક્યો: કપરાડામાં 2 કલાકમાં પોણા બે ઈંચ
છેલ્લા 2 કલાકમાં 46 તાલુકામાં નોંધપાત્ર વરસાદ : ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસતા વહીવટી તંત્ર એલર્ટ :સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા માટે સૂચના

સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાને ઘમરોળ્યા બાદ આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જે પૈકી ડાંગ જિલ્લાના આહવામાં સૌથી વધુ સવા 7 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખાસ કરીને ડાંગ જિલ્લાના અન્ય તાલુકામાં જોઈએ તો, વઘઈમાં 131 મિ.મી (5.1 ઈંચ), સુબિરમાં 118 મિ.મી (4.6 ઈંચ), વલસાડના કપરાડામાં 92 મિ.મી (3.6 ઈંચ),નવસારીના વાંસદામાં 90 મિ.મી (3.5 ઈંચ), વલસાડના ધરમપુરમાં 87 મિ.મી (3.4 ઈંચ) અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 86 મિ.મી (3.3 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 48 મિ.મી (1.8 ઈંચ) વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં ખાબક્યો છે. આ સિવાય ડાંગના આહવામાં 37 મિ.મી (1.4 ઈંચ), પંચમહાલના મોરવા હડફમાં 37 મિ.મી (1.4 ઈંચ), ડાંગના સુબિરમાં 30 મિ.મી (1.1 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન 24 તાલુકામાં 1 ઈંચથી વધુ,14 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય વાહન ચાલકો, રાહદારીઓ અને પશુપાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
