હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘કાળાજાદૂ'ના જાણકાર સુરેશે ‘ધનવાન' થવા માટે પડોશી પીઆઇના માતા-પિતાની ક્રુર હત્યા કરી લૂંટ ચલાવી હતી!
દેણામાં ડુબેલા સુરેશને એવી અંધશ્રધ્ધા હતી કે કોઇની હત્યા કરી દાગીના મેળવવામાં આવે તો વધુ ધનની પ્રાપ્તિ થાય છે!: આથી તેણે પિતા, મામા અને ભુવાનો સાથ લઇ ક્રુરતા આચરી હતીઃ વૃધ્ધાના પગમાંથી કડલા ન નીકળતાં પગ જ કાપી લેવાયા હતાં : નવ ટીમોએ છત્રીસ કલાકમાં ભેદ ઉકેલ્યોઃ ૮૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાયાઃ ૩૦૦ જેટલા મજુરોની પુછતાછ થઇઃ હત્યા વખતે અવાજ ન થાય એ માટે ટ્રેકટર ચાલુ રખાયું હતું: એસપી અક્ષયરાજ મકવાણાએ સમગ્ર ઘટનાની વિસ્તૃત વિગતો જણાવીઃ રાજ્યભરમાં ઘટનાએ ચકચાર જગાવી હતી : જેમની હત્યા કરી લૂંટ ચલાવાઇ હતી તે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ એ. વી. પટેલના પિતા-માતા : સુરેશે પિતા શામળા રૂપાભાઇ પટેલ (ચૌધરી) અને મામા ઉમા ચોૈધરી સાથે મળી ધારીયાથી હત્યા કરી દાગીના લૂંટયાઃ સુરેશના ગુરૂ એવા ભુવાજી દિલીપ ઠાકોરે હત્યા સ્થળે જ વિધી કરી પછી બધાએ દાગીનાના ભાગ પાડયા

ઝડપાયેલા ચારેય આરોપી સાથે એસપી બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા અને કામગીરી કરનાર ટીમો
રાજકોટ તા. ૧૯: બનાસકાંઠા-પાલનપુરના લાખણી તાલુકાના જસરા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇના વૃધ્ધ માતા-પિતાની ક્રુર હત્યા કરી દાગીના લૂંટી લેવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખી પડોશમાં જ રહેતાં ચાર હત્યારાઓને દબોચી લીધા છે. હત્યારા પૈકીનો સુત્રધાર એવો પડોશી સુરેશ મોટા દેણામાં ડુબી ગયો છે, તેને પૈસાની જરૂર હતી. તે કાળા જાદૂનો જાણકાર છે. તેને એવી અંધશ્રધ્ધા હતી કે કોઇને મારી નાંખી દાગીના લઇ આવવામાં આવે તો વધુ ધનની પ્રાપ્તિ થાય છે! પોલીસે મુખ્ય સુત્રધાર સાથે તેને મદદ કરનાર પિતા, મામા અને દાગીનાની વિધી માટે આ હત્યામાં સામેલ ભુવાની પણ ધરપકડ કરી છે.
આ ચકચારી ઘટનામાં એસએમસીના પીઆઇ એ. વી. પટેલ-ચોૈધરીના વૃધ્ધ પિતા વરધાજી મોતીજી પટેલ અને માતા હોશીબેન પટેલની અતિ ક્રુર હત્યા કરવામાં આવી હતી અને લૂંટ ચલાવાઇ હતી. હત્યારા એટલા ક્રુર હતાં કે વૃધ્ધા હોશીબેનના પગમાંથી કડલા કાઢવા માટે પગ જ કાપી લેવાયા હતાં.૧૬ જૂનની સવાર સુધીમાં અજાણ્યા શખ્સોએ દંપતીના ખેતરમાં આવેલા મકાનમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ મુખ્ય દરવાજાનું તાળું તોડી વળદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હોશીબેનના શરીર પરથી અઢી લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
ભેદ ઉકેલવા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની કુલ ૯ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્કાવોડનો સહારો લેવામાં આવ્યો હતો. પોલીસે આસપાસના ૮૦થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ ઉપરાંત નજીકના સોલાર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા ૩૦૦થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી. અંતે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ ડબલ મર્ડર લૂંટમાં પોલીસે મુખ્ય સુત્રધાર સુરેશ શામળાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા, તેના પિતા શામળા રૂપાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા, દીલીપ મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા, અને ઉમાભાઇ ચેલાજી પટેલ (ચૌધરી) રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠાને પકડી લીધા છે. ધારીયાથી આ હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની વિગતો આપતાં એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે નવ ટીમોએ પોલીસે ૩૬ કલાકમાં જ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં સુત્રધાર સુરેશ છે જે બ્લેક મેજીકનો જાણકાર છે, જેનામાં એવી અંધશ્રદ્ધા હતી કે, આવા વ્યક્તિને મારીને તેમના દાગીના લઈ લેવામાં આવે તેની મદદથી વધુ ધન પ્રાપ્ત થઈ શકે છે! આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સાથે પોતાના પિતા અને મામા તથા પોતાના ગુરૂ ભુવાજીને પણ સાથે રાખ્યા હતાં.
રાત્રીના સમયમાં કોઈને અવાજ ન આવે તે માટે ટ્રેક્ટર ચાલુ રાખી સુરેશ, તેના પિતા, મામાએ હત્યા કરી દાગીના લૂંટયા હતાં. એ પછી ભુવાએ આવી વિધી કરી હતી અને પછી દાગીનાનો ભાગ પાડી લીધો હતો. પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે સુરેશ પર ઘણુ બધુ દેવુ પણ થઈ ગયું હતું. આર્થિક સંકડમણમાં હતો. તેણે ઘણા લોકોને ચેક પણ આપ્યાં હતા જે બાઉન્સ ન થાય તેણે આ રસ્તો અપનાવ્યો હતો. હત્યા થઈ તે દંપતીનું અને આરોપીઓનું ઘર નજીક નજીકમાં છે.
આરોપી સુરેશ પટેલ તેમજ શામળા પટેલ કે જેઓ પિતા-પુત્ર થાય છે. જ્યારે આરોપી ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ મુખ્ય આરોપી સુરેશ પટેલનો મામો થાય છે. જ્યારે ચોથો આરોપી દિલીપજી ભુવો છે અને તે વિધીમાં સામેલ થયો હતો. ચારેયની વિસ્તૃત પુછપરછ હાથ ધરવામાં આવી છે. (૧૪.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
