<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

મૂળ જૂનાગઢના વતની અને યુવા લેખક-પત્રકાર મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ ૨૦૨૫નો દિલ્‍હી સાહિત્‍ય અકાદમી યુવા પુરસ્‍કાર જાહેર

રાજકોટઃ દિલ્‍હી સાહિત્‍ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્‍કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ભાષાના યુવા પુરસ્‍કાર તરીકે યુવા લેખક મયૂર ખાવડુના નિબંધ સંગ્રહ ‘‘નરસિંહ ટેકરીની'' પસંદગી કરવામાં આવી છે. મયૂર ખાવડુને માટે આ ૨૦૨૫નો દિલ્‍હી સાહિત્‍ય અકાદમી યુવા પુરસ્‍કાર જાહેર કરવામાં આવ્‍યો છે.

આ વર્ષે દિલ્‍હી સાહિત્‍ય અકાદમી દ્વારા ૨૩ ભાષાના યુવા લેખકોને યુવા પુરસ્‍કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્‍વનું છે કે, ગુજરાતી ભાષામાંથી ચાર પુસ્‍તકો નોમિનેટ થયા હતા.

દિલ્‍હી સાહિત્‍ય અકાદમી દ્વારા યુવા પુરસ્‍કાર માટે ખાસ કરીને ગુજરાતી ભાષા માટે જ્‍યુરી મેમ્‍બર તરીકે ડો. દર્શના ધોળકિયા, વર્ષા અડાલજા અને પ્રો. ભરત પંડ્‍યા હતા. આ જ્‍યુરી મેમ્‍બરો દ્વારા યુવા પુરસ્‍કારની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત સાહિત્‍ય અકાદમી વર્ષ ૨૦૨૩ માટે બાળ વિભાગના બાળ વાર્તા કેટેગરીમાં પણ યુવા લેખક મયૂર ખાવડુ અને પરમ દેસાઈના પુસ્‍તક ‘અજય-અમિત અને મિલનું ભૂત‘ (કિશોર સાહસકથા)ને પ્રથમ ક્રમે પારિતોષિક એનાયત કરવામાં આવ્‍યું હતું.

યુવા લેખક મયૂર ખાવડુ મૂળ જૂનાગઢના વતની છે. તેઓ લેખક ઉપરાંત વ્‍યવસાયે પત્રકાર છે. તેમણે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્‍વ ભવનમાંથી પત્રકારત્‍વમાં માસ્‍ટર ડિગ્રી અને એમ.ફીલ સુધીનો અભ્‍યાસ કર્યો છે. ત્‍યારબાદ તેમણે ટીવી નાઈન ગુજરાતી ન્‍યૂઝ ચેનલ, જીએસટીવી ન્‍યૂઝ ચેનલ સહિતના મીડિયા હાઉસમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓએ ગુજરાત સમાચાર અને દિવ્‍ય ભાસ્‍કર જેવા પ્રતિષ્ઠિત અખબારમાં કટાર લેખનનું કામ કર્યું છે. ૨૦૨૩ાં પ્રથમ પુસ્‍તક ‘‘અજય અમિત અને મિલનું ભૂત'' પ્રકાશિત થયેલ. ૨૦૨૪માં તેમનું બીજું પુસ્‍તક નિબંધ સંગ્રહ ‘નરસિંહ ટેકરી' પ્રકાશિત થયું હતું અને ૨૦૨૫માં મયૂર ખાવડુનું ત્રીજું પુસ્‍તક હાસ્‍ય નિબંધ સંગ્રહ ‘સફેદ કાગડો' પ્રકાશિત થયું હતું

(12:24 PM IST)