વિમાન દુર્ઘટનામાં વિશ્વકર્મા પરિવારે ૧૫ સભ્યો ગુમાવ્યા
જામનગરના વસંતબેન પેશાવરીયા દિકરીના ઘરે લગ્નપ્રસંગમાં જતા હતા : વડોદરાના વલ્લભભાઇ અઘેડા અને વીણાબેન અઘેડા પણ પુત્રીને મળવા લંડન જઇ રહ્યા હતા : બનાસકાંઠાના નરેન્દ્રભાઇ પંચાલ અને ઉષાબેન પંચાલનો ભોગ લેવાયો : સોની પરિવારની દીકરી યોગાબેન, જમાઇ સ્વપ્નીલભાઇ અને દીકરીની જેઠાણી અલ્પાબેન દુર્ઘટનાનો ભોગ બન્યા : અમદાવાદના જયાબેન ગજજર અને વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિએ જીવ ગુમાવ્યો : હોસ્ટેલમાં ટીફીન દેવા આવેલ પ્રાચી અને દાદી મીનાબેન મિષાી કાળનો કોળીયો બન્યા

રાજકોટ તા. ૧૯ : અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં વિશ્વકર્મા સમાજના ૧૫ સભ્યોનો ભોગ લેવાયાની બહાર આવેલ વાતથી સમગ્ર વિશ્વકર્મા સમાજ સ્તબ્ધ બની ગયો છે.
વિશ્વકર્મા વિશ્વ ન્યુઝ ટુડેએ અહેવાલમાં નોંધ્યુ છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીત જે ૨૪૧ લોકો આગામાં ભડથુ થયા હતા તેમાં વિશ્વ કર્મા પરિવારના ૧૨ જેટલા ભાઇ બહેનો અને અન્ય મળી કુલ ૧૫નો ભોગ લેવાયો છે.
આ બનાવમાં જામનગરના સુતાર સમાજના પ્રતિષ્ઠિત ગણાતા પેશાવરીયા પરિવારના વસંતબેન શાંતિલાલ પેશાવરીયાનો સમાવેશ થાય છે. જેઓ જામનગરના દિગ્વીજય પ્લોટમાં ઉજજવલ ઇમેજીંગ ધરાવતા ડો. હિમાંશુભાઇ પેશાવરીયાના માતુશ્રી થાય છે. ચાર ભાઇ બહેનોમાં મોટા બહેન દીપા છત્રાલીયા લંડનમાં રહે છે તેના નાના દીકરાના લગ્ન હોવાથી વસંતબેન પ્રસંગમાં હાજરી આપવા લંડન જઇ રહ્યા હતા અને દુર્ઘટનાનો ભોગ બની ગયા.
એજ રીતે મુળ ભાવનગર જીલ્લાના અને હાલ વડોદરા રહેતા અઘેડા પરિવારના વલ્લભભાઇ નાગજીભાઇ અઘેડા અને વીણાબેન વલ્લભભાઇ અઘેડા પણ આ બનાવમાં મૃત્યુને ભેટયા છે. ૭૭ વર્ષીય વલ્લભભાઇ અઘેડા જીઇબીના ભૂતપૂર્વ સિવિલ ઇજનેર હતા. વલ્લભભાઇની પુત્રી હિરલ છેલ્લા ૪ થી પ વર્ષથી લંડનમાં રહે છે. ત્યાં જવા માટે વલ્લભભાઇ અને વીણાબેન સાથે જ નીકળ્યા હતા. કાળમુખા બનાવે તેમનો ભોગ લઇ લીધો. વલ્લભભાઇની ત્રણ પુત્રી પૈકી બે પુત્રીઓ જલ્પા અને કૃતી વડોદરામાં જ રહે છે.
અન્ય કિસ્સામાં બનાસકાંઠા જિલ્લાના પંચાલ દંપતિનો સમાવેશ થાય છે. સોની પરિવારના આ સદસ્યો મુળ ભાવનગરના પ્રેમજી વશરામભાઇ સોની પરિવારના દીકરી યોગાબેન અને જમાઇ સ્વપ્નીલભાઇ અને દીકરીના જેઠાણી અલ્પાબેનનો સમાવેશ થાય છે.
નીશિતભાઇ અમદાવાદથી બાય કાર લંડન પહોંચવાના હતા. તેમના સન્માન માટે આ પરિવાર લંડન જતો હતો. પરંતુ દુર્ઘટનાએ પરિવારને વેર વિખેર કરી નાખ્યો.
આ ઉપરાંત અમદાવાદના જયાબેન નવીનચંદ્ર ગજજર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેમની મોટી દીકરી ફાલ્ગુની યુ.કે.માં રહે છે. નાની પુત્રી રૂહી ઓસ્ટ્રેલીયામાં અને પુત્ર તનય અમદાવાદમાં રહે છે.
એજ રીતે વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિ પણ આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
આ વિમાન મેડીકલ હોસ્ટેલ પર તુટયુ તેમાં અનેક આશાસ્પદ ડોકટરોએ પણ જીવ ગુમાવ્યો હતો. જેમાં અમદાવાદના તલસાણીયા પરિવારના જયેશભાઇ તલસાણીયા તેમની પુત્રી પ્રાંચી તલસાણીયા અને કેન્સર હોસ્પિટલમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા ભાવનગરના ડો. નીલકંઠ સુથારના ભાવનગરથી આવેલા માતુશ્રી ચિત્રકાર મીનાબેન કાંતિલાલ સુથારનો પણ સમાવેશ થાય છે.
ભાવનગરના ડો. નિલકંઠ સુથાર કેન્સર સર્જન છે અને કેન્સરની હોસ્પિટલ જીસીઆરઆઇમાં ફરજ બજાવવા સાથે આગળનો અભ્યાસ પણ કરે છે. અને જે હોસ્ટેલ પર વિમાન તુટી પડયુ હતુ તે હોસ્ટેલમાં જ તેઓ રહે છે.
થોડા દિવસથી ડો. નિલકંઠ સુથારના માતુશ્રી મીનાબેન પુત્ર સાથે હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. જયેશભાઇ તલસાણીયાએ છેલ્લા ૩ થી ૪ દિવસથી શ્રીહરી ટીફીન સેવા શરૂ કરી હતી અને ડોકટરોની હોસ્ટેલમાં ત્રણ ચાર ડોકટરોને ટીફીન આપવા જયેશભાઇ પોતાની પુત્રી પ્રાચી સાથે આવ્યા હતા. તેઓ યુવક સંઘના ઉપપ્રમુખ ભરતભાઇ દુદકીયાના સાળા થાય છે. સદનશીબે ડો. નીલકંઠ મીષાી આ સમયે ઓપરેશન થીએટરમાં હતા અને બીજી બાજુ વિમાન ક્રેશ થયુ. જેમાં ટીફીન આપવા આવેલ જયેશભાઇ, પુત્રી પ્રાપ્તી અને ડો. નિલકંઠ મીષાીના માતુશ્રી મીનાબેનનો ભોગ લેવાયો હતો.
ડો. નીલકંઠ બીએપીએસના ચુસ્ત અનુયાયી હતા અને પૂ. મહંત સ્વામી સાથે પણ ઘરોબો ધરાવતા હતા. બનાવ બાદ રાત્રે ૯ વાગ્યે મહંત સ્વામીએ ડો. નીલકંઠ સુથારને ફોન કરી સાંત્વના આપી હતી.
આમ વિશ્વકર્મા સમાજના ૧૫ સદસ્યોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવતા સમગ્ર વિશ્વકર્મા સમાજમાં શોકની લાગણી પ્રસરી હોવાનું વિશ્વકર્મા ન્યુઝ ટુડેએ નોંધ્યુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
