<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદે પ્રો. પ્રતાપસિંહ ચૌહાણઃ સૌથી અનુભવી વી.સી. મળ્‍યા

ત્રણ વર્ષના લાંબા ઇંતેઝાર બાદ કાયમી કુલપતિઃ આતુરતાનો અંત : - ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાંચ વર્ષ અથવા ૬પ વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્‍યાં સુધીની અવધિ માટે નિમણુંક આપવામાં આવી - પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા ખાતે પણ કુલપતિ તરીકે યશસ્‍વી ફરજ બજાવી ચૂકયા છેઃ હવે નવો કિર્તીમાન સ્‍થાપિત કરશે

રાજકોટ તા. ૧૯ :.. ગુજરાત સરકારના વર્ષ ર૦૧પ ના વિધાનસભાના કાયદા નં. ર૩ હેઠળ સ્‍થપાયેલ, ર૦૧૬ થી અસ્‍તિત્‍વમાં આવેલ અને ર૦૧૭ થી અનુસ્‍નાતક ભવનો સાથે પૂર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ત્રીજા કાયમી કુલપતિ તરીકે પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણની નિયુકિત કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગઇકાલે મોડી સાંજે થયેલા ઓર્ડર નોટીફીકેશનમાં ચાર્જ સંભાળ્‍યાના દિવસથી પાંચ વર્ષ માટે અથવા તો ૬પ વર્ષથી ઉંમર પૂર્ણ થાય ત્‍યાં સુધીની અવધિ માટે કુલપતિ તરીકે પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણની નિયુકિત કરવામાં આવી છે.

જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની ૧૬ર જેટલી કોલેજોનું નિયમન અને નિયંત્રણ કરતી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના અનુક્રમે પ્રથમ અને દ્વિતીય કાયમી કુલપતિ તરીકે પ્રો. (ડો.) જે. પી. મૈયાણી અને પ્રો. (ડો.)ચેતનભાઇ ત્રિવેદી ભુતકાળમાં ફરજ બજાવી ચુકયા છે. પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી અને પ્રો. (ડો.) અતુલભાઇ બાપોદરા (હાલમાં કાર્યરત) ઇન્‍ચાર્જ કુલપતિ તરીકે પણ યુનિ. સાથે સંકળાયેલ છે.

છેલ્લે વર્ષ જુલાઇ ર૦રર થી નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદે ઇન્‍ચાર્જ તરીકે શિક્ષણવિદો-પ્રોફેસરો કાર્યરત હતા. અંતે ત્રણ વર્ષ જેટલા (ર વર્ષ ૧૧ મહિના) લાંબા ઇંતેઝાર બાદ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢને કાયમી કુલપતિ મળ્‍યા છે. સાથે સાથે શિક્ષણ જગતની છેલ્લા ઘણા વખતની આતુરતાનો અંત આવ્‍યો છે. યુનિવર્સિટીના વિકાસને હવે ચોકકસપણે નવી દિશા મળશે તેવું પણ સંનિષ્‍ઠ અને અનુભવી શિક્ષણવિદો કહી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટના એમ.બી.એ. ભવનના અધ્‍યક્ષ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા ખાતે પણ કાયમી કુલપતિ તરીકે કુલ ત્રણ ટર્મ (નવ વર્ષ) માટે યશસ્‍વી ફરજ બજાવી ચુકયા છે. ઉપરાંત બંને યુનિવર્સિટીઓમાં ઇન્‍ચાર્જ વાઇસ ચાન્‍સેલર તરીકે પણ પ્રેરણારૂપ કામગીરી કરી ચુકયા છે. આમ હવે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં દસ વર્ષથી વધુ સમય માટે કુલપતિ પદે કાર્યરત રહેવાનો નવો કિર્તીમાન સ્‍થાપીત કરનાર પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૌહાણ કદાચ એક માત્ર હશે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢને સૌથી અનુભવી વાઇસ ચાન્‍સેલર પ્રાપ્ત થયા છે. 

(2:33 PM IST)