હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રતિષ્ઠિત 'બાળ-કિશોર સાહિત્ય પારિતોષિક' એનાયત થશે!
'હાથીભાઈની સ્કૂલ' બાળગીતસંગ્રહ માટે સન્માન : ૩૫થી વધુ બાળસાહિત્ય પુસ્તકોના લેખક : સાહિત્ય અકાદમી દિલ્હી સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત : તેમની કૃતિઓ પાઠ્યપુસ્તકોમાં પણ સામેલ

રાજકોટ, ૧૯ જૂન ૨૦૨૫: ગુજરાતી સાહિત્ય જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાતની ૧૨૫ વર્ષ જૂની અને સુપ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર બે વર્ષે શ્રેષ્ઠ પુસ્તકોને અપાતા વિવિધ પારિતોષિકો અંતર્ગત, તાજેતરમાં વર્ષ-૨૦૨૦/૨૧ નાં પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને તેમનાં બાળગીતસંગ્રહ 'હાથીભાઈની સ્કૂલ' માટે 'શ્રી રમણલાલ સોની બાળ-કિશોરસાહિત્ય પારિતોષિક' એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી બાળ-કિશોર સાહિત્ય ક્ષેત્રે કિરીટ ગોસ્વામીનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર અને યશસ્વી રહ્યું છે. તેમણે પાંત્રીસ જેટલાં બાળસાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે, જે બાળકોમાં ખૂબ પ્રિય બન્યા છે. તેમને સાહિત્ય અકાદમી દિલ્હી, રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ રાજસ્થાન અને બાળસાહિત્ય સંશોધન કેન્દ્ર ભોપાલ સહિત બાળસાહિત્યનાં અનેક ઇનામ-એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમની બાળસાહિત્ય કૃતિઓ પર વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા શોધ-નિબંધ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે તેમની કૃતિઓની શૈક્ષણિક અને સાહિત્યિક મહત્તા દર્શાવે છે.
જે બાળગીતસંગ્રહ 'હાથીભાઈની સ્કૂલ' માટે તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત થવા જઈ રહ્યો છે, તેમાં આધુનિક બાળકોને ગમે તેવાં બાળગીતોનો સમાવેશ થાય છે. આ સંગ્રહ પૈકી 'હાથીભાઈ તો ડાન્સ કરે' જેવું ગીત તો બાળકોમાં ખૂબ-ખૂબ લોકપ્રિય થયેલું છે. આ ઉપરાંત, 'બિલ્લી બેઠી ભણવા' કે 'ઝાડવાને રોજ રવિવાર' જેવી બાળસહજ અને બાળભોગ્ય કલ્પનાઓથી ભરપૂર ગીતો ગુજરાતી બાળકોએ હોંશભેર વધાવ્યાં છે.
કિરીટ ગોસ્વામી હાલ જામનગર ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત છે. તેમની કૃતિઓ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં વિવિધ પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામેલ છે, જે તેમની રચનાઓની ગુણવત્તા અને સ્વીકૃતિનો પુરાવો છે. તેઓ માત્ર સર્જન જ નહીં, પરંતુ ગુજરાતભરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં બાળકો સમક્ષ બાળગીતો અને બાળવાર્તાઓ પીરસવા પણ પહોંચે છે, જેના દ્વારા તેઓ બાળકોમાં સાહિત્ય પ્રત્યે રુચિ જગાડે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના આ પારિતોષિકથી કિરીટ ગોસ્વામીની યશ-કલગીમાં વધુ એક નવું પીંછું ઉમેરાયું છે, અને ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન વધુ ઉજાગર થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
