<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાશે!

"યોગ ફોર વન અર્થ - વન હેલ્થ" થીમ અને "સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત"ના ધ્યેય સાથે રાજ્યવ્યાપી ઉજવણી : ૧.૫૦ કરોડથી વધુ નાગરિકોની સહભાગીતાનું લક્ષ્ય : ભુજંગાસનમાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો ગુજરાતનો મનોરથ!

વડનગર, ૧૯ જૂન ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં આગામી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં સવારે ૬:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
થીમ અને ધ્યેય:
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ “યોગ ફોર વન અર્થ - વન હેલ્થ” છે. ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ જોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં આ સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્વીકૃતિ અને વ્યાપક ઉજવણી:
ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. તદઅનુસાર, ૨૦૧૫ થી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂને સામૂહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે, તે શ્રૃંખલામાં આ વર્ષે ૧૧મો યોગ દિવસ ઉજવાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટનમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે. વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનના આ સંદેશના જીવંત પ્રસારણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં જનભાગીદારીથી ઉજવણીનું લક્ષ્ય:
રાજ્યભરમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવા માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વિસ્તૃત કાર્યઆયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.
પૂર્વ તૈયારીઓ અને પ્રચાર:
યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જૂનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુસર ૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લાઓમાં કોમન યોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા યોગ રેલી અને યોગ સત્રનું આયોજન, ગ્રામસભાઓના આયોજનથી ગ્રામીણ સ્તરે પણ યોગનો પ્રચાર, નગરપાલિકા-મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ તેમજ બગીચા અને જાહેર સ્થળોએ આવા કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો પાર પાડવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.
વડનગરમાં ૧૧ આઇકોનિક સ્થળોએ કાર્યક્રમો:
વડાપ્રધાનની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ ૧૧ આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.
વ્યાપક જનભાગીદારીનું લક્ષ્ય:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-જનને યોગ સાથે જોડીને સ્વસ્થ-તંદુરસ્ત રહેવાનું જે આહવાન કર્યું છે તેને ૧૧મા વિશ્વ યોગ દિવસે સાકાર કરવા ગુજરાતે ગ્રામ્ય કક્ષાથી લઈને મહાનગરો સુધી જન ભાગીદારી સાથે યોગ કાર્યક્રમનું વ્યાપક આયોજન કર્યું છે. ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે. શાળા-કોલેજોના છાત્રો પણ આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે. આ ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામૂહિક યોગ કાર્યક્રમ યોજાશે.
વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય:
ગુજરાતે ગત વર્ષે ૧૦મા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ૧ કરોડ ૩૧ લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.

 

(4:22 PM IST)