હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GCAS પોર્ટલ પર સ્નાતક કક્ષાએ ૩.૧૫ લાખ વિદ્યાર્થીઓની અરજી વેરીફાઈ : ૧.૨૭ લાખના પ્રવેશ કન્ફર્મ : અનુસ્નાતકમાં પણ ૨૧.૬૦% વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો!
બાકી રહેલા સ્નાતક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો આગામી રાઉન્ડ ૨૧ જૂનથી શરૂ : ૩ જુલાઈ સુધી કાર્યવાહી પૂર્ણ થશે : PG પ્રવેશનો બીજો તબક્કો ૧ જુલાઈ સુધી : સુધારા માટે ૨-૩ જુલાઈની તક

રાજકોટ : રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બની છે. વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતા વધુ પ્રોગ્રામ્સ અને કોલેજોમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે.
GCAS પોર્ટલની સુવિધાઓ અને પારદર્શિતા
GCAS પોર્ટલ વિદ્યાર્થીઓને તેમની પસંદગીની તમામ કોલેજોમાં સંબંધિત યુનિવર્સિટીના નિયમ અનુસાર પ્રવેશ ઓફર કરે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને મળેલી પ્રવેશ ઓફરની જાણકારી, પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખો અને પ્રવેશ અંગેની જરૂરી તમામ વિગતો અંગે સમયસર જાણકારી મળી શકે તે માટે નિયમિત રીતે એસ.એમ.એસ. અને વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા સંબંધિત યુનિવર્સિટીના નિયમોને આધિન રહીને કરવામાં આવે છે અને આવી પ્રવેશ પ્રક્રિયામાં યોગ્યતા (Eligibility) કે મેરીટના નિયમો નક્કી કરવામાં GCASની કોઈ ભૂમિકા નથી.
સ્નાતક કક્ષાના પ્રવેશની સ્થિતિ
૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક વર્ષમાં ૪,૨૧,૩૭૪ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ ની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. તેમાંથી અત્યાર સુધીમાં ૩,૧૫,૭૯૧ વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલમાં તેમની અરજી વેરિફાઈ કરાવી છે, અને તેમાંથી ૧,૨૬,૬૯૩ વિદ્યાર્થીઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે.
પ્રવેશના પ્રથમ તબક્કામાં, ગુજરાત યુનિવર્સિટીના વિવિધ પ્રોગ્રામ્સ માટે ૫૬,૦૦૫ વિદ્યાર્થીઓએ ચોઈસ આપી હતી. તેમાંથી યુનિવર્સિટીના મેરીટ નિયમ મુજબ ૩૪,૯૧૧ વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી હતી, અને તે પૈકીના ૧૬,૧૭૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.
આગામી પ્રવેશ રાઉન્ડ:
બાકી રહેલા ૧,૮૯,૦૯૮ વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો આગામી રાઉન્ડ શનિવાર, ૨૧ જૂનથી શરૂ થશે અને પ્રવેશ કાર્યવાહી ૩ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
અનુસ્નાતક કક્ષાના પ્રવેશની સ્થિતિ અને આગામી તબક્કો
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી GCAS પોર્ટલ મારફતે અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે પ્રથમ તબક્કાનો પ્રથમ રાઉન્ડ ૧૯ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થયો છે, જેમાં ૯,૭૯૩ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કોઈપણ યુનિવર્સિટી-કોલેજ ખાતે કન્ફર્મ કરાવ્યો છે.
યુનિવર્સિટી કે કોલેજ દ્વારા પ્રથમ તબક્કામાં વેરીફાઈ થયેલા કુલ ૪૫,૩૪૧ વિદ્યાર્થીઓમાંથી ૩૧,૨૯૯ વિદ્યાર્થીઓને ઓફર્સ આપવામાં આવી હતી. વેરિફાઈડ થયેલા વિદ્યાર્થીઓના ૨૧.૬૦ ટકા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ મારફતે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે. અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમમોમાં પ્રવેશ માટેના પ્રથમ તબક્કાનો પ્રથમ રાઉન્ડ ૨૦ જૂન, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે.
બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા:
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અનુસ્નાતક (PG) કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશના બીજા તબક્કા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૧૯ જૂનથી શરૂ કરી દેવામાં આવી છે. આ બીજા તબક્કાનું સંપૂર્ણ ફોર્મ ફિલિંગ ૧ જુલાઈ, ૨૦૨૫ સુધી કરી શકાશે.
જે વિદ્યાર્થીઓએ પ્રવેશના પ્રથમ તબક્કામાં અરજી કરી હોય અને આવી અરજીમાં સુધારો કરવા ઈચ્છતા હોય, પ્રથમ તબક્કામાં પ્રવેશ રદ કરાવ્યો હોય, પોતાની યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામની ચોઈસ બદલવા ઈચ્છતા હોય તો તે ૨ અને ૩ જુલાઈ દરમિયાન કરી શકશે.
અનુસ્નાતક (PG) કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશના બીજા તબક્કામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ૧૯ જૂન ૨૦૨૫ થી ૪ જુલાઈ સુધીમાં પોતાને લાગુ પડતા કિસ્સામાં અરજીઓ વેરિફાઈ કરાવવાની રહેશે તથા બીજા તબક્કાના પ્રવેશની કાર્યવાહી ૮ જુલાઈ, ૨૦૨૫ થી શરૂ થશે તેમ પણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
