<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

હર્ષ સંઘવીએ અડાજણના મૃતક તબીબ દંપતી અને રામપુરાના નાનાબાવાના પરિવારજનોની મુલાકાત લીધી :સાંત્વના પાઠવી

અકીલ નાનાબાવા પત્ની અને પુત્રી સાથે ઈદ નિમિત્તે સુરત રહેતા પિતાને સરપ્રાઈઝ આપવા આવ્યો જ્યારે અડાજણનું તબીબ દંપતી UKમાં રહેતા તેમના બહેનને મળવા જઈ રહ્યું હતુ.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સુરતના રામપુરા ખાતે રહેતા નાનાબાવા પરિવારના પતિ-પત્ની અને 6 વર્ષની બાળકીનું તેમજ અડાજણ ખાતે રહેતા ડો. દંપતીનું પણ દુઃખદ નિધન થયું હતું. આજે હર્ષ સંઘવી તેમજ મંત્રી મુકેશ પટેલે આ બંને મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. બીજી તરફ પૂણા વિસ્તારમાં રહેતા અંકિત ભગવાનભાઈ છોડવડિયાના આજે અશ્વિનીકુમાર સ્મશાન ખાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ગત 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સુરત શહેરના રામપુરા સ્થિત રહેતા અકીલ અબ્દુલ નાનાબાવા તેની પત્ની હાના નાના બાવા અને પુત્રી સારાનું દુઃખદ નિધન થયું હતું. અકીલ ઈદના તહેવાર નિમિતે પત્ની અને દીકરી સાથે સુરત પિતાના ઘરે આવ્યો હતો અને બાદમાં લંડન જતી વેળાએ વિમાન દુર્ઘટનામાં પરિવારના ત્રણેય સભ્યોના દુઃખદ નિધન થયા હતા.

અકિલ અબ્દુલ નાનાબાવા અને પત્ની હાનાની મંગળવારે મોડી રાત્રે અંતિમવિધિ બાદ તેમની 6 વર્ષની પુત્રી સારાનો પણ ડીએનએ મેચ થઈ જતાં મૃતદેહ બુધવારે સાંજે 5 વાગ્યે તેનો મૃતદેહ નિવાસ્થાને આવી પહોંચ્યા બાદ હરિપુરા કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. સારાના ડીએનએ સેમ્પલ તેના દાદા સાથે મેચ થઈ ગયા હતા. આજે હર્ષ સંઘવી તેમજ મંત્રી મુકેશભાઈ પટેલએ આ પરીવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત શહેરના નાનાબાવા પરિવારના મોટા દીકરા જે વર્ષોથી યુકે ખાતે રહે છે, તેઓ પિતાને સરપ્રાઈઝ આપવા માટે ઇન્ડિયા આવ્યા હતા. યુકે પરત જતી વખતે આ અતિ ભયાનક દુર્ઘટનામાં તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે મારા સાથી મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ સાથે મળીને એમના પરિવારજનોને મળવા આવ્યા છીએ.

એક હોનહાર દીકરો સામાજિક રીતે અને પરિવાર માટે ખુબ લાગણીશીલ હતો એવા દીકરાને ગુમાવ્યો એ પિતા માટે સૌથી દુઃખદ છે. હું પ્રાર્થના કરું છું કે એમના પરિવારને આ દુઃખદ ઘડીમાં શક્તિ મળે.

સુરત શહેરના અડાજણ રાંદેર રોડ ખાતે સુજાતા સોસાયટીમાં રહેતા ડો.અમિતા શાહ અને ડો.હિતેશ શાહનું પણ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશભાઈ પટેલ આજે તેઓના ઘરે જઈને પરિવારને મળીને સાંત્વના આપી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખુબ સારા અને સામાજિક રીતે ગરીબોના મસીહા તરીકે જાણીતા ડો. શાહના પરિવારને અમે મળવા આવ્યા હતા ડો હિતેશભાઈએ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં બધા લોકોની સેવા કરી છે. તે એક ખુબ સારા સર્જન હતા તેઓ ધર્મ પત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે આજે હું તેમના પરિવારજનોને મળ્યો હતો અને આ દુઃખદ ઘડીમાં ભગવાન તેઓને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું, સુરત શહેરના લોકો આ સમાચાર સાંભળીને દુખી છે અને સ્તબ્ધ છે અને આજે પણ બધાની પ્રાર્થના આ પરિવારો સાથે છે.

સુરતના પુણાગામ સ્થિત માતૃશક્તિ સોસાયટીમાં ૩૫ વર્ષીય અંકિત ભગવાનભાઈ છોડવડીયા પરિવાર સાથે રહેતો હતો તે લંડનમાં બી.ફાર્મનો અભ્યાસ કરતો હતો અને વેકેશન હોવાથી તે સુરત પરિવારને મળવા આવ્યો હતો દરમ્યાન અમદાવાદથી લડન જતી વેળાએ અંકિતનું પ્લેન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. છેલ્લા છ દિવસથી અંકિતના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે DNA મેચ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, મોડી રાતે અંકિતના DNA મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

આજે અંકિતના મૃતદેહને સુરત નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને વરસતા વરસાદમાં અંતિમયાત્રા નીકળી હતી, આજે સવારે મૃતદેહ નિવાસસ્થાને લવાતા પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અંકિતના અશ્વિનીકુમાર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરાના મોતથી માતા સહિતના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારના આક્રંદના પગલે સમગ્ર માહોલ ગમગીન થઈ ગયો હતો.

 

(8:49 PM IST)