<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ગ્રામ પંચાયત ચૂંટણીમાં EPIC ન હોય તો પણ ચિંતા નહીં! મતદારો માટે ૧૪ વૈકલ્પિક ફોટો ઓળખ પુરાવા માન્ય રહેશે - રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત

પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર સહિતના દસ્તાવેજો માન્ય : ચૂંટણી પ્રક્રિયા સુગમ બનાવવા ચૂંટણી તંત્રનો મતદારોને અનુરોધ

રાજકોટ : આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોને મતદાન પ્રક્રિયામાં સુગમતા રહે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જો કોઈ મતદાર પોતાનું ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે, તો તેના વિકલ્પ તરીકે અન્ય ૧૪ પ્રકારના ફોટો ઓળખ પુરાવાઓને માન્ય ગણવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને મતદાન કરવા જાય ત્યારે આ પૈકી કોઈપણ એક માન્ય ઓળખપત્ર પોતાની સાથે રાખવા અનુરોધ કર્યો છે.

મતદાન માટે માન્ય ૧૪ વૈકલ્પિક પુરાવાઓ:
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન કરવા માટે નીચે મુજબના પુરાવાઓને માન્ય ગણવામાં આવ્યા છે:
૧.  ફોટા સાથેનો પાસપોર્ટ.
૨.  ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૩.  ફોટા સાથેનું ઇન્કમટેક્સ (PAN) ઓળખકાર્ડ.
૪.  રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર/જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ.
૫.  પબ્લિક સેક્ટર બેંકો અને પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ હોવી ફરજિયાત).
૬.  અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિ/અન્ય પછાત વર્ગ (OBC) નું સક્ષમ અધિકારીશ્રીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૭.  ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે માજી સૈનિકોની પેન્શનબુક/ પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવા ફરજિયાત).
૮.  કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ.
૯.  ફોટા સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૧૦. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૧૧. રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૧૨. કર્મચારી રાજ્ય વિમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ હોવું ફરજિયાત).
૧૩. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ.
૧૪. UIDAI દ્વારા આપવામાં આવેલ "આધાર" કાર્ડ.
ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ મતદાન કરવા જાય ત્યારે ઉપરના પૈકી કોઈપણ એક માન્ય ઓળખપત્ર પોતાની સાથે રાખે, જેથી મતદાન પ્રક્રિયા સરળતાથી અને સુગમતાથી પૂર્ણ થઈ શકે અને કોઈ પણ મતદાર તેના મતાધિકારથી વંચિત ન રહે.

 

(9:14 PM IST)