<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

જગન્‍નાથજીના મામેરાના દર્શનનો સમય વધારાયોઃ સવારે ૧૧થી રાત્રે ૮ વાગ્‍યા સુધી કરી શકાશે દર્શન

અમદાવાદમાં ૧૪૮ મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં રવિવારે રંગેચંગે મામેરૂ ભરાશેઃ અત્‍યાર સુધી બપોરે ૪ થી રાત્રે ૯ સુધી દર્શન ખુલતા

અમદાવાદઃતા.૨૦, આવતા અઠવાડીયે ર૭મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્‍નાથજીની ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્‍સાહ વધુ ખાસ બની રહ્યો છે. કારણ કે આ વર્ષે ભગવાનના મામેરાના દર્શનનો સમય વધારી દેવામાં આવ્‍યો છે. હરિભક્‍તોની સુવિધા માટે મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભગવાનના મોસાળમાં મામેરાના દર્શનનો સમય બદલવામાં આવ્‍યો છે.

રવિવારે ૨૨ જૂનના રોજ ભગવાન જગન્‍નાથજીના મોસાળમાં ભાણેજનું મામેરું રંગે ચંગે કરવામાં આવશે. હરિભક્‍તો વધુ સંખ્‍યામાં મામેરાના દર્શનનો લાભ લઈ શકે તે માટે દર્શનનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી સાંજના ૮ વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો છે. અગાઉ દર વર્ષે મામેરા દર્શનનો સમય બપોરે ૪ વાગ્‍યાથી રાત્રે ૯ વાગ્‍યા સુધી હતો. આ ફેરફારથી ભક્‍તોને દર્શન માટે વધુ સમય મળશે અને ભીડનું સંચાલન પણ સરળ બનશે.

આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જર્જરિત મકાનો હટાવવામાં આવ્‍યા છે, રસ્‍તાઓને રી-સરફેસ કરવામાં આવ્‍યા છે અને રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્‍યો છે. આ બધું ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાને ભવ્‍ય અને યાદગાર બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. હરિભક્‍તો આ પવિત્ર ઉત્‍સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(2:27 PM IST)