તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ગુજરાત શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ : સુરેન્દ્રનગર સહિત ત્રણ નવી મહાનગરપાલિકાઓ, બે નગરપાલિકાઓ અને સુરતને ₹૩૩૯૫ કરોડની ફાળવણી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટગ્રોથ ડેવલપમેન્ટ, આગવી ઓળખ અને માળખાકીય સુવિધાઓ માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર : ગુજરાતમાં 'શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે, રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુવિધા વૃદ્ધિ માટેના વિવિધ કામોને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની ત્રણ નવરચિત મહાનગરપાલિકાઓ, સુરત મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ₹૩૩૯૪.૫૫ કરોડ રૂપિયા ફાળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ફાળવણી મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ:
* સુરત મહાનગરપાલિકા: ₹૩૨૬૩ કરોડ
* નડિયાદ મહાનગરપાલિકા: ₹૪૫ કરોડ
* સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: ₹૬૩ કરોડ
* આણંદ મહાનગરપાલિકા: ₹૧૭ કરોડ
* સોનગઢ નગરપાલિકા: ₹૩.૯૯ કરોડ
* ભરૂચ નગરપાલિકા: ₹૦.૯૫ કરોડ
વિકાસ કામોની વિગતો:
આ ભંડોળ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 'આઉટગ્રોથ ડેવલપમેન્ટ', 'આગવી ઓળખ' ના કામો અને 'આંતરમાળખાકીય વિકાસ' ના કામો માટે ઉપયોગમાં લેવાશે.
સુરત મહાનગરપાલિકા: સુરતને મળેલી ₹૩૨૬૩ કરોડની જંગી રકમ ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ, સામાજિક માળખાકીય સુવિધા વિકાસ, અર્બન મોબિલિટી, આગવી ઓળખના કામો તેમજ આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ માટે ખર્ચવામાં આવશે. આ રકમમાંથી સ્ટોર્મ ડ્રેનેજ, પાણી પુરવઠો, ટર્શરી ટ્રીટમેન્ટ એન્ડ રિસાયક્લિંગ, લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી, અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વના માળખાકીય વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ માટે વધારાના ₹૬૬.૯૪ કરોડના કામોની પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.
નડિયાદ મહાનગરપાલિકા (નવરચિત): નડિયાદના આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ રીનોવેશન, સિટી સિવિક સેન્ટર, પાર્ક અને ગાર્ડન, તથા લેક ડેવલપમેન્ટ જેવા ૩૫ કામો માટે ₹૧૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આગવી ઓળખના કામો માટે વધારાના ₹૩૦ કરોડ પણ મંજૂર કરાયા છે, જેમાં ઇપ્કોવાલા હોલ અને કેમ્પસ ડેવલપમેન્ટ, વાવ રિસ્ટોરેશન, હેરિટેજ પાથ, ગેન્ટ્રી ડેવલપમેન્ટ, મ્યુઝિયમ અને ખુલ્લા પાર્ટી પ્લોટ સાથે કોમ્યુનિટી હોલના કામોનો સમાવેશ થાય છે.
આણંદ મહાનગરપાલિકા (નવરચિત): આણંદના આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની નવી ટાંકી, લિંક રોડ અને સ્ટોર્મ ડ્રેઈનના કુલ ૯ કામો માટે ₹૧૭ કરોડ ફાળવાયા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (નવરચિત): સુરેન્દ્રનગરના આઉટગ્રોથ એરિયામાં પાણી પુરવઠાના ૬ કામો માટે ₹૨૮ કરોડ મંજૂર થયા છે. આગવી ઓળખના કામો અંતર્ગત, વઢવાણ હેરિટેજ સિટી ફેઝ-૧ (ધોળી પોળ અને કોટ દીવાલ), સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવામહેલ હેરિટેજ ડેવલપમેન્ટ, અને ઝાલાવાડ હેરિટેજ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ ફેઝ-૧ જેવા ત્રણ કામો માટે ₹૩૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ભરૂચ અને સોનગઢ નગરપાલિકાઓ: ભરૂચ અને સોનગઢ નગરપાલિકાઓને પણ આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની ટાંકી, રાઈઝીંગ મેઈન પાઇપલાઇન તથા સ્ટ્રીટ લાઈટના કામો માટે રકમ મંજૂર કરવામાં આવી છે. તદ્અનુસાર, સોનગઢ નગરપાલિકાને ₹૩.૯૯ કરોડ અને ભરૂચને ₹૦.૯૫ કરોડ ફાળવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં થઈ રહેલી શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણીમાં આ નાણાં ફાળવણીને પરિણામે નગરો અને મહાનગરોમાં 'હેપીનેસ ઇન્ડેક્સ' ઊંચો આવશે. આનાથી 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' (સારી કમાણી, સારું જીવન) નો અભિગમ પણ સાકાર થશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
