તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 20th June 2025
ગુજરાતની ૩૮૯૪ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન : ૮૧ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે!
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કુલ ૮૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર : કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને કારણે કેટલાક તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી રદ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે તા. ૨૮-૦૫-૨૦૨૫ ના રોજ કુલ ૮૩૨૬ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ પૈકી, કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.
ચૂંટણીની વિગતવાર માહિતી:
* કુલ જાહેર કરાયેલી ગ્રામ પંચાયતો: ૮૩૨૬
* રદ થયેલી ચૂંટણીઓ: કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતો.
* સામાન્ય/મધ્યસત્ર/વિભાજન ચૂંટણી:
* કુલ ૪૫૬૪ ગ્રામ પંચાયતો પૈકી ૭૫૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ છે.
* ૨૭૨ ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહી છે.
* આમ, કુલ ૩૫૪૧ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
* પેટા ચૂંટણી:
* કુલ ૩૫૨૪ ગ્રામ પંચાયતો પૈકી ૩૧૭૧ ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહી છે.
* આમ, કુલ ૩૫૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
* કુલ ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતો: ૩૫૪૧ (સામાન્ય) + ૩૫૩ (પેટા) = ૩૮૯૪ ગ્રામ પંચાયતો.
મતદાન અને સુરક્ષા વ્યવસ્થા:
આ ચૂંટણીઓમાં ૩૬૫૬ સરપંચની બેઠકો તથા ૧૬૨૨૪ સભ્યોની બેઠકો માટે મતદાન યોજાનાર છે. જેમાં ૮૧ લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કુલ ૧૦૪૭૯ મતદાન મથકો પર મતદાન યોજાનાર છે, જેમાં ૩૯૩૯ સંવેદનશીલ મતદાન મથકો જ્યારે ૩૩૬ અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ સંવેદનશીલ/અતિસંવેદનશીલ મતદાન મથકો પર મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ અને પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
મતદાનની તારીખ અને સમય:
ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી યોજાનાર છે.
મતદાન માટે જરૂરી ઓળખપત્રો:
મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે તા. ૨૬-૧૧-૨૦૧૬ ના આદેશ ક્રમાંક: રાચઆ-ચટણ-સ્થા.સ્વ.૨૫-૧૧૨૦૧૬-ક, થી નક્કી કરેલ ૧૪ (ચૌદ) પુરાવા પૈકી કોઈ એક ફોટો સાથેનો દસ્તાવેજી પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે. આ ચૂંટણીમાં મતદાન મતપત્ર/મતપેટીઓથી લેવામાં આવશે.
પ્રચાર પર પ્રતિબંધ:
રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૭-૧૧-૨૦૨૧ ના આદેશ ક્રમાંક: રાચપ-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-૧૩૮(૧)-૧૧૨૦૨૧-ક થી આપેલ સૂચના મુજબ, મતદાન બંધ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન જાહેર સભા બોલાવવા, ભરવા તથા હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ સંપૂર્ણપણે ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી નેમ વ્યક્ત કરી છે, અને રાજ્યના મતદારોને આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. ચૂંટણી અને પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વમાં આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી રાજ્ય ચૂંટણી આયોગ શ્રદ્ધા વ્યક્ત કરે છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
