<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ઈન્દોરના વેપારી અને તેના સાથીઓએ 49.75 લાખની છેતરપિંડી આચરી : અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ

પોતાને લોજિસ્ટિક્સ અને શિપિંગ કંપનીના માલિક તરીકે ઓળખાવીને લગભગ ₹49.75 લાખની છેતરપિંડી કરી

અમદાવાદમાં એક ઈન્દોરના વેપારી અને તેના સાથીઓએ પોતાને લોજિસ્ટિક્સ અને શિપિંગ કંપનીના માલિક તરીકે ઓળખાવીને લગભગ ₹49.75 લાખની છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે કુલ 4 આરોપીઓ બુરહાનુદ્દીન, ફકરૂદ્દીન નઇદુનીયાવાલા, (ઇન્દોર), મનોજ કિશન કનારા (અમદાવાદ), મહેન્દ્ર શ્યામલિયા અને અમિત શર્મા ઉર્ફે નયન આહીર સામે અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરીયાદી લતાબેન (નામ બદલાયેલું)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023ના નવેમ્બર મહિનાથી શરૂ થયેલી છેતરપિંડીની શરૂઆત ઈન્દોરના બુરહાનુદ્દીન દ્વારા એક નકલી સોપારી ડીલના ભરોસાથી થઈ હતી. લતાબેનના મિત્ર હેમંત પાંડે અને અન્ય એક મિત્રના જણાવ્યા મુજબ, બુરહાનુદ્દીને તેમને જણાવ્યું કે તેમનો પરિચિત મનોજ કનારા, અમદાવાદની કસ્ટમ હરાજીમાંથી મોટી માત્રામાં સોપારી સસ્તા દરે વેચી રહ્યો છે.

એમના કહેવાથી લતાબેન અને તેમના સહભાગીઓ અમદાવાદ આવ્યા અને ત્યાં તેઓને રાજપુત્રા રંગોલી રોડ સ્થિત ઓફિસમાં લઈ જવામાં આવ્યા, જ્યાં "આકાંક્ષા શિપિંગ અને લોજિસ્ટિક્સ"ના બેનરો લગાવેલા હતા. ત્યાં મળેલી માહિતી, દસ્તાવેજો અને કન્ટેનરની તસવીરો આધારે સાક્ષાત્કાર કરવામાં આવ્યો અને આરોપીઓએ વારંવાર નકલી બિલો, ઇન્વોઇસ, પેકિંગ લિસ્ટ, ટ્રકની તસવીરો વગેરે વોટ્સએપ દ્વારા મોકલી ભરોસો જગાવ્યો. જ્યાં શરૂઆતમાં ₹5 લાખ, પછી ક્રમશઃ ₹10 લાખ, ₹9.95 લાખ, ₹1.80 લાખ, ₹12 લાખ અને છેલ્લે ₹16 લાખનો લેણદેન કુલ ₹49.75 લાખ સુધી પહોંચ્યો, ત્યાં એક પણ કન્ટેનર મળ્યું નહીં અને તમામ આરોપીઓએ છેલ્લા સમયમાં ફોન બંધ કરીને હટતાલ કરી દીધી હતી.

આ તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 406 (અમાનત હેરાફેરી), 409 (જાહેર સેવક દ્વારા ભ્રષ્ટ આચરણ), 420 (છેતરપિંડી), 413, 418, 471 (નકલી દસ્તાવેજોનો ઉપયોગ), 120(B) (સાજિશ) તથા 34 (સાંકળી જવાબદારી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(8:37 PM IST)