<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

નરોડા પોલીસે રથયાત્રા પૂર્વે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપ્યા :રૂ.24.18 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓએ બરેલીથી દિલ્હી જતી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી.

અમદાવાદ :ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના બોર્ડર પોઈન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકિંગ દરમિયાન નરોડા પોલીસને એક મોટી સફળતા મેળવી છે  બરેલીથી દિલ્હી જતી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રેકી કરીને રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી. આખરે નરોડા પોલીસે રથયાત્રા પૂર્વે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ ત્રણે આરોપીની પાસેથી કુલ રૂપિયા 24,01,000ની રોકડ સહિત 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 24,18,000/-નો મુદામાલ કબ્જે કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યુ હતું કે, તેઓએ તા.17/06/2025 ના રોજ બરેલીથી દિલ્હી જતી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી.

નરોડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.આર. ચૌધરી તથા પો.સ.ઇ. એચ.ડી. વાઘેલાની ટીમ બોર્ડર પોઈન્ટ ઉપર ચેકિંગમાં હતી ત્યારે ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં ખભે બેગ લઈ જતા જણાયા હતા. પોલીસએ તાત્કાલિક તેમને અટકાવી તપાસ કરતાં રોકડ મળતા પકડવામાં આવ્યા. જેમાં ભાવેશભાઈ બળદેવભાઈ મહેરીયા,વિષ્ણુજી ઉર્ફ હોલો ધુલાજી રાઠોડ,અશોકકુમાર ઉર્ફ વિશાલ ચાવડા નામના આરોપીઓની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

(9:15 PM IST)