<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે રક્તદાન શિબિર : ૫૨૨ યુનિટ રક્ત એકત્ર કરાયું : કોમી એકતાનો સંદેશ

જગન્નાથ મંદિર ખાતે ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશ્નર જી.એસ. મલિક અને મહંત દિલીપદાસજીની ઉપસ્થિતિમાં "એકતાના એક રંગ" ઉપક્રમે હિન્દુ-મુસ્લિમ સમુદાયના સહયોગથી રથયાત્રા ૨૦૨૫ પૂર્વે સદ્ભાવનાનો સંદેશ

(વિનુ જોશી દ્વારા), જુનાગઢ : અમદાવાદ શહેર પોલીસે આગામી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા નિમિત્તે સામાજિક એકતા અને સદ્ભાવનાનો અનોખો સંદેશ આપ્યો છે. જગન્નાથ મંદિર ખાતે "એકતાના એક રંગ" ઉપક્રમે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૫૨૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે શહેર પોલીસની સુરક્ષા સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પ્રસંગે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, અન્ય સામાજિક આગેવાનો અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ પહેલને બિરદાવી હતી અને કોમી એકતાના આ પ્રયાણ માટે પોલીસ અને બંને સમુદાયના પ્રયાસોને સરાહ્યા હતા.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી આયોજિત આ રક્તદાન શિબિરમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના લોકોએ આગામી રથયાત્રા ૨૦૨૫ના અનુસંધાને સામાજિક એકતા અને સદ્ભાવના માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની સફળતા પાછળ બંને સમુદાયના લોકોનો સક્રિય સહયોગ અને અમદાવાદ શહેર પોલીસનો પ્રયાસ મહત્વપૂર્ણ રહ્યો છે.
શહેર પોલીસ માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ સામાજિક સંવાદિતા અને માનવતાના કાર્યોમાં પણ સક્રિયપણે જોડાઈને પોતાની ભૂમિકા અદા કરી રહી છે. આ રક્તદાન શિબિર એ વાતનો પુરાવો છે કે અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા માટે સજ્જ હોવાની સાથે સાથે સમાજને જોડવાનું કાર્ય પણ કરી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા અને આ ભગીરથ કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

(10:47 AM IST)