<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

નદીના કાંઠે રોમેન્ટિક પળો માણતા હતા યુવક-યુવતી, અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને પછી થઈ જોવા જેવી

ભરૂચના સામાં વિસ્તારમાં નર્મદા નદીના કિનારે એક યુગલ ફસાઈ ગયું હતું: સ્થાનિકોની તત્પરતા અને બહાદુરીથી બંનેનો જીવ બચાવ્યો

ભરૂચ: જિલ્લાના સામાં વિસ્તારમાં નર્મદા નદીના કિનારે એક યુગલની જીવલેણ અવગણનાએ બધાને દોડતા કરી દીધા હતા. આ પ્રેમી યુગલ નર્મદા નદી પરના બ્રિજના કોલમ પર ચડીને રોમેન્ટિક પળો માણવા પહોંચ્યા હતા, ત્યારે નદીના અચાનક આવેલા પાણીના પ્રવાહથી જળસ્તર વધલા લાગ્યું અને નદી વચ્ચે આ યુગલ ફસાઈ ગયું હતું. જોકે, સ્થાનિકોની તત્પરતા અને બહાદુરીભરી કામગીરીથી બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના આજે શનિવારે સાંજે બની હતી, જ્યારે એક પ્રેમી યુગલ બ્રિજના તળિયે આવેલા એક કોલમ પર ચડીને નર્મદા નદીના વહેણનો આનંદ માણી રહ્યું હતું. સ્થાનિક લોકોએ આ યુગલને વારંવાર ચેતવણી આપી હતી કે, નદીનું જળસ્તર વધી શકે છે, પરંતુ યુગલે આ ચેતવણીને અવગણી હતી. અચાનક નર્મદા નદીના પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું જેથી વધતા પાણીએ તેમના માટે બહાર નીકળવું અશક્ય બનાવી દીધું હતું અને યુવક-યુવતી કોલમ પર જ ફસાઈ ગયા હતા.

જોકે ઘટના બાદ, તરત જ સ્થાનિક લોકોએ તુરંત બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોની ત્વરિત કાર્યવાહી અને બહાદુરીએ યુગલનો જીવ બચાવ્યો હતો. સ્થાનિક નાવિક ધર્મેશ સોલંકી અને તેમના સાથીઓએ નાવડી લઈને ઘટનાસ્થળે પહોંચીને યુગલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું અને કિનારે પહોંચાડ્યું હતું. સ્થાનિકોએ બચાવાયેલ આ યુગલ હાલ સુરક્ષિત છે.

આ ઘટના નદીના વધતા જળસ્તરના જોખમ અને જાહેર સ્થળોએ સાવચેતીના મહત્વને ઉજાગર કરે છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે, વહેતી નદીમાં આવા સ્થળ પર પણ લોકો કઈ રીતે પહોંચી જાય છે? લોકોની સહામતીને અવગણતા સરકાર અને તંત્રએ ચેતવણી રુપે અહીં જાહેર જનતાનો પ્રવેશ કેમ બંધ કર્યો નથી. તે પણ એક ગંભીર મુદ્દો છે.

(2:16 PM IST)