તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd June 2025
વડોદરામાં માતા સાથે આડાસંબંધની શંકાએ દીકરાએ એક યુવકનું ગળું દબાવી પતાવી દીધો :હત્યારા પુત્રની ધરપકડ
લાશને પેન્ડલ રિક્ષામાં મૂકી ખેતરમાં ફેંકી દીધી : કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

વડોદરામાં માતા સાથે આડાસંબંધની શંકાએ પુત્રે એક યુવકની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ લાશ તરસાલી બાયપાસ રોડ પાસે ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે.
વડોદરાના તરસાલી બાયપાસ રોડથી ભાલીયાપુરા ગામ તરફ જતા રસ્તે ગત તારીખ 13મી જૂનના રોજ ખેતરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ કપુરાઇ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી અજાણ્યા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે કુદરતી મોતની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકનું મોત ગળું દબાવવાથી થયાનું સ્પષ્ટ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ દાહોદ જિલ્લાના લીમખેડાના વતની ગોરસીંગભાઈ તડવી તરીકે થઈ હતી. જે હાલ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા હતા. કપુરાઈ પોલીસે અને LCB ઝોન-3ની ટીમે હત્યાનો ભેદ ઉકેલવા જહેમતભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે હત્યારા 25 વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડને ભરૂચના કારેણા ગામથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ પુછપરછમાં ચોંકવનારો કબૂલાત આરોપીએ કરી હતી. તરસાલી બ્રિજ નીચે રહેતી પોતાની માતા અને મૃતક ગોરસીંગભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. અગાઉ ગોરસીંગભાઈએ હત્યારા નિલેશને માર મારી ધમકી આપી હતી. જેથી ગુસ્સામાં આવી નિલેશે ગોરસીંગભાઈના માથામાં પથ્થર માર્યો અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશને પેન્ડલ રિક્ષામાં મૂકી ખેતરમાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે હાલ કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
