<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની કાલે મતગણતરી :અમદાવાદ જિલ્લામાં સઘન તૈયારીને આખરી ઓપ

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૨૯ મતગણતરી સ્ટાફ અને ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ પછી આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી યોજવામાં આવશે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં મતગણતરી માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે એટલે ૨૪મી જૂનના આ મતગણતરી યોજાનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કર્યું છે.

મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયત, દસકોઈ તાલુકામાં ૫ ગ્રામ પંચાયત, ધોલેરા તાલુકામાં ૫ ગ્રામ પંચાયત, ધંધુકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયત, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયત, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયત, ધોળકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયત, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ ૧૨ ગ્રામ પંચાયત, અને સાણંદ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. તાલુકાદીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ ૯ મતગણતરી સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

આ તમામ મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરીની આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે ૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે, જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

(8:35 PM IST)