તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી :રાજકોટ , દ્વારકા સહીત છ જિલ્લામાં રેડ એલર્ટ :હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર
મોરબી, જુનાગઢ, નર્મદા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદ :ગુજરાતમાં હાલમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ધમરોળિ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાએ સુરતનો વારો પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લામાં આજે મેઘો મહેરબાન થતા જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરત, ભરુચ, નર્મદા, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં દાહોદ દ્વારકા પોરબંદર જામનગર પંચમહાલ અને રાજકોટ અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, જુનાગઢ, નર્મદા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને સુરત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, 25 જૂનથી ટ્રફ લાઈન મધ્યપ્રદેશમાં આવશે જેથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.25 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે.26 થી 30 જૂન સુધી બંગાળના ઉપસાગર સિસ્ટમ થવાથી ઘણા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગોમાં પૂર આવવાની શક્યતા વર્તાઇ રહી છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની શક્યતા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા ના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
