News of Monday, 23rd June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : અત્યાર સુધીમાં ૨૫૯ મૃતકોની ઓળખ પૂર્ણ : ૨૫૬ પાર્થિવ દેહ સ્વજનોને સુપરત કરાયા!
DNA ટેસ્ટથી ૨૫૩ મૃતકોની સફળતાપૂર્વક ઓળખ, જેમાં ૧૮૦ ભારતીય અને ૫૨ બ્રિટિશ નાગરિકોનો સમાવેશ : ડો. રાકેશ જોશીએ સિવિલ હોસ્પિટલના બ્રીફિંગમાં વિસ્તૃત માહિતી આપી

અમદાવાદ : અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આજે સાંજે યોજેલા મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દુર્ઘટનાના કુલ ૨૫૯ મૃતકોની ઓળખ સફળતાપૂર્વક થઈ ચૂકી છે. આમાંથી ૨૫૩ મૃતકોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા થઈ છે, જ્યારે ૬ મૃતકોની ઓળખ ચહેરા પરથી કરવામાં આવી હતી. ઓળખાયેલા કુલ મૃતકોમાંથી ૨૫૬ પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
મૃતકોની રાષ્ટ્રીયતા અને ઓળખ પ્રક્રિયાની વિગતો:
ડો. રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓળખ પામેલા ૨૫૯ મૃતકોમાં ૧૮૦ ભારતના નાગરિકો, ૭ પોર્ટુગલના, ૫૨ બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિમાન દુર્ઘટનામાં સામેલ કુલ ૧૯ નોન-પેસેન્જર (જેઓ વિમાનના મુસાફરો નહોતા) ના મૃતદેહો પણ સોંપવામાં આવ્યા છે, જેમાંથી ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ની ઓળખ ચહેરા પરથી કરાઈ હતી.
ઓળખ પામેલા ૨૫૯ મૃતકોમાંથી ૨૫૬ મૃતદેહો સોંપી દેવાયા છે. બાકી રહેલા ૩ બ્રિટિશ નાગરિકોના મૃતદેહો આગામી સમયમાં નિયત ફ્લાઇટ દ્વારા તેમના વતન મોકલવામાં આવશે. સુપરત કરાયેલા ૨૫૬ પાર્થિવ દેહમાંથી ૨૮ હવાઈ માર્ગે (બાય એર) અને ૨૨૮ રોડ માર્ગે (બાય રોડ) તેમના ગંતવ્ય સ્થાનોએ મોકલવામાં આવ્યા હતા.
ડીએનએ મેચિંગ અને પાર્થિવ દેહના વિતરણનું વિસ્તૃત ચિત્ર:
ડો. જોશીએ ઉમેર્યું કે, કુલ ૨૫૩ મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ થયા છે. આમાંથી ૨૪૦ મુસાફરો (પેસેન્જર) અને ૧૩ નોન-પેસેન્જર હતા. તેમણે સ્પષ્ટતા કરી કે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયામાં અમુક કિસ્સાઓમાં એકથી વધુ વાર સેમ્પલ લેવામાં આવ્યા હોય તે સ્વાભાવિક છે, તેથી લેવાયેલા કુલ ડીએનએ સેમ્પલની સંખ્યા ઓળખાયેલા કુલ મૃતકોની સંખ્યા કરતા વધુ હોઈ શકે છે.
સુપરત કરાયેલા પાર્થિવ દેહોની જિલ્લાવાર વિગતો:
સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો મુજબ, વિવિધ શહેરો અને જિલ્લાઓમાં મોકલવામાં આવેલા પાર્થિવ દેહોની સંખ્યા આ મુજબ છે:
ઉદયપુર (7), વડોદરા (24), ખેડા (11), અમદાવાદ (73), મહેસાણા (7), બોટાદ (1), જોધપુર (1), અરવલ્લી (2), આણંદ (29), ભરૂચ (7), સુરત (12), પાલનપુર (1), ગાંધીનગર (7), મહારાષ્ટ્ર (13), દીવ (14), જૂનાગઢ (1), અમરેલી (2), ગીર સોમનાથ (5), મહીસાગર (1), ભાવનગર (3), લંડન (10), પટના (1), રાજકોટ (3), રાજસ્થાન (2), નડિયાદ (1), બનાસકાંઠા (2), જામનગર (2), પાટણ (4), દ્વારકા (2), સાબરકાંઠા (1), નાગાલેન્ડ (1), મોડાસા (1), ખંભાત (2), મણિપુર (1), કેરળ (1) અને મધ્યપ્રદેશ (1). આમ, કુલ ૨૫૬ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનો માટે આ ઓળખ પ્રક્રિયા એક પીડાદાયક છતાં આવશ્યક પ્રકરણનો અંત લાવી રહી છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
