તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 24th June 2025
ગોપાલ ઇટાલીયા કોન્સ્ટેબલ બન્યા બાદ એડવોકેટ, જેલવાસ અને હવે વિસાવદરના ધારાસભ્ય
૧૪.૧૮ લાખની જંગમ મિલકત ધરાવતા ઇટાલીયાએ એલએલએમનો અભ્યાસ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કર્યો છે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૪: આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો ગોપાલ ઇટાલીયા કોન્સ્ટેબલ બન્યા બાદ એડવોકેટ, જેલવાસ અને હવે વિસાવાદરના ધારાસભ્ય બનતા તેની પાસે વિકાસ કાર્યો, સમસ્યાઓનું નિવારણ સહીતની બાબતે લોકો અને ખાસ વિધાનસભા મતવિસ્તારના મતદારો અનેક અપેક્ષા રાખી રહ્યા છે.
૨૧ જુલાઈ ૧૯૮૯ના રોજ બોટાદમાં જન્મેલા ઇટાલીયાએ પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ડિગ્રી મેળવી છે. ૨૦૧૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે. તેમજ એલએલએમનો અભ્યાસ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કર્યો છે.
તેમની કુલ જંગમ મિલક્ત ૧૪,૧૮,૫૦૯.૪૪ છે. જ્યારે પત્નીની ૧૮૪૬.૫૫ છે. ૭૦ ગ્રામ સોનું છે. તેમજ હોન્ડા પેશન બાઈક છે.
જાન્યુઆરી ૨૦૧૩માં ગોપાલભાઈએ અમદાવાદ પોલીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું, ત્યારબાદ ૨૦૧૪માં અમદાવાદ કલેક્ટર કચેરી હેઠળ ધંધુકા તાલુકા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે નિયુક્ત થયા હતા.
તેઓએ શરૂઆતના દિવસોમાં બોટાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને લાઠીદાદ ગામના સંગઠનના સભ્ય તરીકે પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ગુજરાત અને જિલ્લા પાટીદાર આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા. ૨૦૧૭માં, તેમણે રાજ્યના ગળહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બેરોજગારોનું જુતુ ફેંકયું હતુ. અને નારા લગાવ્યા હતા, સરકારી ફરજમાં મુશ્કેલ સમય અને સરકારી નીતિઓ સામેના વિરોધ વચ્ચે. સેવા નિયમોના ઉલ્લંઘન બદલ આ ઘટના પછી તેમને તેમની સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૧૭માં ગોપાલ ઈટાલિયાએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઘટના પછી ગોપાલ ઇટાલિયા ખુબ ચર્ચામાં આવ્યા હતા. તેઓ શાસક ભાજપના કટ્ટર ટીકાકાર બન્યા. ૨૦૧૮ થી ૨૦૨૦ની વચ્ચે ગોપાલ ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે સંકળાયેલા હતા.
જૂન ૨૦૨૦માં, ઇટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય એકમમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે જોડાયા. ગોપાલ ઈટાલિયાને ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 'આપ' ગુજરાતના સંગઠન માળખામાં ફેરબદલ કરવામાં આવ્યો અને નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગોપાલ ઇટાલિયાને ‘આપ' ગુજરાતના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં પાર્ટીએ ૫ બેઠક સાથે ૧૨.૯૨ ટકા મત મેળવ્યા હતા.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
