<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સવારથી નર્મદાના તિલકવાડા અને રાજપીપળા પંથકમાં ધોધમાર વરસાદ : બે કલાકમાં બે ઇંચ ખાબક્યો : શાળાઓમાં રજા જાહેર

દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ અને એમવી રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાન પાણી ભરાઈ ગયા: તિલકવાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં તાત્કાલિક રજા :જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમોને પણ એલર્ટ કરાઈ

નર્મદા જિલ્લાના લોકો માટે આજની સવાર અનોખી રહી છે, કારણ કે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે સાત વાગ્યાથી જ ચાલુ થયેલો અવિરત વરસાદે લોકોની દૈનિક જિંદગીમાં વિક્ષેપ ઉભો કર્યો. માત્ર બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લાના તિલકવાડા, રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસરથી શહેરી જીવન અસરગ્રસ્ત બન્યું છે. દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ અને એમવી રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાન પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વાહનો પણ પાણીમાં બંધ પડી ગયા હતા.

બીજી તરફ આ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી ખીલવાવી છે. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ માટે રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સાબિત થયો છે. વાવણી કરેલ બિયારણને નવા જીવનનું સંજીવન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

તિલકવાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરાઈ છે. તેમજ અન્ય તાલુકાઓની શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે કે બાળકોને સલામત રીતે ઘરે પહોંચાડવા માટે ખાસ તકેદારી રાખે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

(11:33 AM IST)