<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓમાં ર૬ થી ર૮ પ્રવેશોત્‍સવ

શહેરની ૯૩ સ્‍કૂલોમાં ભુલકાઓને આવકારશે

 

રાજકોટ, તા. ર૩: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૨૬ થી ૨૮ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજાશે. આનંદ ઉલ્લાસ અને કુમ-કુમ તિલક, પુષ્‍પ ગુચ્‍છથી નવા છાત્રોનુ ઉમળકાભેર સ્‍વાગત કરી શાળા પ્રવેશ કરાવાશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં ૫ થી ૧૪ વર્ષનુ એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ના રહે તેવા ૧૦૦% નામાંકનના સંકલ્‍પ સાથે રાજકોટ શહેરમા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો રંગારંગ શુભારંભ કરવામા આવનાર છે. ભવ્‍યાતિભવ્‍ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને કુમ-કુમ તિલક, પુષ્‍પ ગુચ્‍છથી નવા છાત્રોનું ઉમળકાભેર સ્‍વાગત કરી શાળામાં પ્રવેશ આપવામા આવશે. આ તકે સરકારશ્રીના પ્રતિનિધિઓ, સંસદ સભ્‍ય, ધારા સભ્‍ય, મેયર રાજકોટ, તેમજ પદાધિકારીઓ, રા.મ્‍યુ.કો., કોર્પોરેટર, રા.મ્‍યુ.કો., શિક્ષણ સમિતિ સદસ્‍યો, મહાનુભાવો, મહેમાનો, વાલી, વિસ્‍તારના આગેવાનો, શિક્ષણ વિદો, સામાજીક સંસ્‍થાના પ્રતિનિધિઓ, સ્‍કુલ મેનેજમેંટ કમિટિના સભ્‍યો સહિત વિશાળ જન-સમુદાયે ઉપસ્‍થિત રહેશે. સમગ્ર આયોજનને સુચારુ રીતે યોજવામાં આવે તે માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષણ સમિતિની વોર્ડ નં. ૧ થી ૧૮ ને આવરી લેતી કુલ ૯૩ શાળાઓ તથા ૫૨ ગ્રાંટેડ માધ્‍યમિક શાળાઓનો સમાવેશ કરીને કાર્યક્રમ યોજવામા આવશે.

આજરોજ આ મિટિંગમાં સમગ્ર શિક્ષા અભિયાનના યુ.આર.સી.શ્રીઓ,  સી.આર.સી.શ્રીઓ શાળાના આચાર્યશ્રીઓને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને બાળકોને વધુ ને વધુ લાભ મળી રહે તે માટે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેનશ્રી ડો. પ્રવીણકુમાર નિમાવત અને સદસ્‍ય વિક્રમસિંહ જાડેજા, જયદીપભાઈ જલુ મારફત માર્ગદર્શન આપી તમામ બાબતોથી વાકેફ કરવામાં આવેલ હતા.

કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, શિક્ષણ સમિતિના તમામ સદસ્‍ય શિક્ષણ સમિતીના સદસ્‍ય સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી.શ્રી દિપકભાઈ સાગઠીયા, શૈલેષભાઈ પાડલીયા, સી.આર.સી.ઓ અને શાળાના આચાર્ય મારફત અનેરા ઉત્‍સાહ અને ઉમંગથી કામગીરી હાથ ઘરવામાં આવેલ.

(1:19 PM IST)