<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વડોદરાની સ્કૂલો બાદ ગુજરાત હાઈકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો હાઇકોર્ટ સંકુલમાં પહોંચી તપાસ શરુ કરી

અમદાવાદ :આજે સવારે વડોદરાની એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે આવી જ ધમકી ગુજરાત હાઈ કોર્ટને મળી છે. ગુજરાત હાઇકોર્ટને આ બીજીવાર  બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા જ પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો હાઇકોર્ટ સંકુલમાં પહોંચી તપાસ શરુ કરી છે.

ગુજરાતના વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલના પ્રિન્સિપાલને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ફાટશે. ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સઘન તપાસ શરૂ કરી.

સ્કૂલે તાત્કાલિક પગલાં લેતાં વિદ્યાર્થીઓને રજા આપી દીધી અને સવારે 9:15 વાગ્યા સુધીમાં બાળકોને સલામત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. વાલીઓને ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવી કે આ ધમકી ખોટી હોઈ શકે છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવામાં આવશે નહીં.

ગઈકાલે સમા વિસ્તારની નવરચના સ્કૂલને પણ આવી જ ધમકી મળી હતી, જ્યાં પોલીસે સાડા ત્રણ કલાકની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતની જાહેરાત કરી હતી. આ પહેલાં જાન્યુઆરીમાં પણ નવરચના સ્કૂલને આવી ધમકી મળી હતી, જે ખોટી સાબિત થઈ હતી.

સતત ધમકીઓથી વાલીઓમાં ચિંતા વધી છે, અને તેઓ આવા અજાણ્યા તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને ધમકી આપનારની ઓળખ માટે સાયબર ટીમ કામ કરી રહી છે.

વાલીઓને શાંતિ જાળવવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સ્કૂલે પણ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.

 

(12:06 PM IST)