<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ : SDRFની 3 ટીમ સ્ટેન્ડ બાય :એક ટીમ નવસારી મોકલાઈ

સુરત SRP વાવ કેમ્પ ખાતે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ની ત્રણ ટીમ સ્ટેન્ડ બાય

સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. સુરત જીલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરત SRP વાવ કેમ્પ ખાતે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ની ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ત્રણ ટીમ પૈકી એક ટીમને નવસારી મોકલવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સતર્ક છે. વહીવટી તંત્રે આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરત SRP વાવ કેમ્પ ખાતે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ની ત્રણ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ત્રણ ટીમ પૈકી એક ટીમને નવસારી મોકલવામાં આવી છે. SDRF ટીમ પાસે કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સાધન-સામગ્રી ઉપલબ્ધ છે. આ સામગ્રીમાં ફાયબર બોટ, રબર બોટ, લાઇફ જેકેટ અને કટર મશીન જેવા બચાવ કાર્ય માટે જરૂરી સાધનોનો સમાવેશ થાય છે.

એસ. આર. પી. ગ્રુપ વાવ ડીવાયએસપી અનીલભાઈ પટેલએ જણાવ્યું હતું કે, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે SDRFની કુલ 3 ટીમો હર હંમેશ દર વર્ષે તહેનાત રહેતી હોય છે. છેલ્લા બે દિવસથી ભારે મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અહીંયાની 3 ટીમો પૈકી 1 ટીમને નવસારી ખાતે રવાના કરી દેવામાં આવી છે. નવસારી ખાતે પણ ભારે વરસાદને પગલે એક ટીમને તાત્કાલિક રવાના કરી દેવામાં આવી છે. કુલ 50 અધિકારી/જવાનોની બે ટીમો અહીંયા તહેનાત છે. સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સ્થળે વરસાદના પાણીથી મુશ્કેલી ઉભી થાય તેવા સંજોગોમાં રેસ્ક્યુ, રાહત અને બચાવ કામગીરી માટે આ ટીમ તૈનાત છે. છેલ્લા બે દિવસમાં આ ટીમ દ્વારા ખુબ જ સારી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી છે. નદી કાંઠા, તાપી નદી કિનારા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે આવા સંજોગોમાં લોકોને વિનંતી છે તેઓ નીચાણવાળા વિસ્તારમાં ના જાય.

વધુમાં જણાવ્યું હતું ,કે અમારી ટીમ પાસે બોટ છે, જે પાણીની અંદર જઈને જાનમાલને બચાવવાની કામગીરી કરવામાં આવે છે, લોકો ફસાયેલા હોય તો રબર બોટ છે જે નાની ગલી અને નીચાણવાળા વિસ્તારમાં આ બોટ જઈ શકે છે. બોટને ચલાવવા માટે તમામ સંસાધન ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ કોઈ જગ્યાએ તાર કે દીવાલ જેવી આડશ હોય તો એને હટાવીને દુર કરવાના સંસાધનો તેમજ ચેઈન કટર સર્ચ લાઈટ, રસ્સા, બોઈયારીંગ સહિતના સાધનો સાથે ટીમ રેડી હાલતમાં ઉપલબ્ધ છે.

(1:28 PM IST)