તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
દરેક ગુજરાતી ગામડાને મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ : મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવ મોના ખંધાર અને દૂરસંચાર સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩નો શુભારંભ!
ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય જેણે રાજ્ય-આધારિત મોડેલમાં ભારતનેટ ફેઝ-૩ માટે MoC પર હસ્તાક્ષર કર્યા : ૧૪,૨૮૭ ગ્રામ પંચાયતો અને ૩,૮૯૫ ગામોને મળશે ડિજિટલ કનેક્ટિવિટી : ૫,૬૩૧ કરોડના પ્રોજેક્ટથી બદલાશે ગ્રામીણ ગુજરાતનું ચિત્ર!

વિજય વસાણી દ્વારા, ગાંધીનગર, ૨૪ જૂન, ૨૦૨૫: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ લાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે! ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી અને ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ (ફેઝ-૩)ના અમલીકરણ માટે ચાર મહત્ત્વપૂર્ણ પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે. આ કરાર ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લી. (GFGNL), ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ (DBN) તેમજ ભારત સંચાર નિગમ લી. (BSNL) વચ્ચે થયા છે. ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટર નીરજ વર્મા અને ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ કરારો પર હસ્તાક્ષર કર્યા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો અને શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવાનો છે. ભારતનેટના ત્રીજા તબક્કા હેઠળ, રાજ્ય સરકારે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ સાથે સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો નિર્ધાર કર્યો છે, જે ખરેખર એક ક્રાંતિકારી પહેલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમ (ફેઝ-૩)ના અમલીકરણ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC) પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના ૮ રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓક્ટોબર-૨૦૨૪માં દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે આ MoC પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ગત જાન્યુઆરી-૨૦૨૫માં ભારત સરકારે ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાતને એક વખતના મૂડી ખર્ચ (CAPEX) અને ૧૦ વર્ષના નિભાવખર્ચ (OPEX) માટે કુલ રૂ. ૫,૬૩૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, જે આ પ્રોજેક્ટની વિશાળતા દર્શાવે છે.
આ પ્રોજેક્ટ ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષી અને કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દૂરસંચાર સચિવ નીરજ મિત્તલ સહિતના કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં હાઇસ્પીડ કનેક્ટિવિટીનો અનુભવ કરવા માટે કાર્યક્રમ પૂર્વે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-ગાંધીનગર ખાતે ફાઈબર ટુ ધ હોમ (FTTH) એજ્યુકેશન એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે અમદાવાદની એણાસન પ્રાથમિક શાળા, વેહ્લાલ ગ્રામ પંચાયત, વેહ્લાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ટેલ્કો ગ્રેડ શેલ્ટર સહિતના ભારતનેટ-કનેક્ટેડ સ્થળોની પણ મુલાકાત લીધી અને ડિજિટલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
નોંધનીય છે કે, ગુજરાત સરકારે રાજ્ય-આધારિત મોડલ હેઠળ ભારતનેટ ફેઝ-૨નો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ અંતર્ગત ૨૨ જિલ્લાની ૮,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે અને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સીમલેસ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડતી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આજે ગુજરાત ૯૫ ટકાથી વધુ નેટવર્ક અપટાઇમ સાથે રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ સ્થાન પર છે. ભારતનેટ ફેઝ-૨ના સફળ અમલીકરણ અને ઉપયોગની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. આ જ કારણે, ઓક્ટોબર-૨૦૨૪માં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સંચાર મંત્રીએ ભારતનેટ ફેઝ-૨ની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ભરપૂર પ્રશંસા કરી હતી.
ગુજરાત સરકારે ભારતનેટ પર અનેક ઇ-ગવર્નન્સ સેવાઓ પણ શરૂ કરી છે, જેને "ડિજિટલ સેવા સેતુ (ઇ-ગ્રામ)" કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. ભારતનેટના માધ્યમથી હાલ રાજ્ય સરકારની ૩૨૧ જેટલી સેવાઓ ૧૪,૦૦૦થી વધુ ઇ-ગ્રામ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. પરિણામે, રાજ્યના ૧.૬ કરોડથી વધુ નાગરિકોએ ગ્રામ પંચાયત કનેક્ટિવિટી દ્વારા ડિજિટલ સેવા સેતુનો લાભ લીધો છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારે ૭,૫૦૦થી વધુ શાળાઓ, ૭૬૫ આરોગ્ય કેન્દ્રો, ૩૭૭ પોલીસ ચોકીઓ અને GIDC, પ્રવાસન સ્થળો, કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટરો જેવા ૫૦ આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ-૨ નેટવર્ક થકી જોડવામાં આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ ૧૦,૦૦૦ જેટલી ગ્રામ્ય સંસ્થાઓમાં હોરિઝોન્ટલ કનેક્ટિવિટી વિકસાવવામાં આવી છે, જ્યારે વધારાની ૫૦,૦૦૦ સંસ્થાઓમાં અમલીકરણ થઇ રહ્યું છે. વધુમાં, રાજ્યમાં ૨૯૦થી વધુ ટેલિકોમ ટાવરો ફાઇબરાઇઝ કરવામાં આવ્યા છે, જેના કારણે દૂર-દરાજના વિસ્તારોમાં પણ આજે મોબાઇલ કવરેજની સુવિધાઓ વધુ સુદ્રઢ બની છે.
આગામી સમયમાં ગુજરાતમાં અમલમાં આવનાર એમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની ૧૪,૨૮૭ ગ્રામ પંચાયતો અને ૩,૮૯૫ ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે, જેમાં ૯૮ ટકાથી વધુ સર્વિસ અપટાઇમ રહેશે. જેના પરિણામે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ ગ્રામ્ય વિસ્તરમાં વસવાટ કરતા નાગરિકોના સામાજિક જીવનમાં ક્રાંતિકારી સુધારો લાવશે. રાજ્ય સરકારના વિભાગો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગ્રાહકો વગેરે માટે ઇલેક્ટ્રોનિક અને મૂલ્યવર્ધિત સેવાઓ દ્વારા સીધા જોડાઈ શકશે, જે વંચિત ગ્રામજનોનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ થશે.
ગુજરાતમાં એમેન્ડેડ ભારતનેટ ફેઝ-૩ પ્રોજેક્ટના અમલથી ગુજરાત મોડલની વિશિષ્ટતા વધુ ઉજાગર અને મક્કમ બનશે. આ પહેલ થકી ટેલિકોમ ગ્રેડ નેટવર્ક એક પગલું આગળ રહેશે, જે સરકારના સંકલિત કાર્ય માટે, ડિજિટલ વ્યવસાયો અને સમાવેશી સમુદાય માટે લાભદાયક રહેશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ફાઇબર ટુ ટાવર, ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ, ફાઇબર ટુ ફેમિલીઝ અને ફાઇબર ટુ ફાઇનાન્સિયલ એન્ટરપ્રાઇઝ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક ડિજિટલ કનેક્ટિવિટી વિકસાવાશે અને નવી રોજગારીની તકો ઊભી થશે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
