News of Tuesday, 24th June 2025
પાલનપુરમાં ACBની સફળ ટ્રેપ : ટાકરવાડા ગ્રામ પંચાયતના તલાટી મીનાબેન પરમાર ₹૪૦૦૦ની લાંચ લેતા ઝડપાયા!
મકાન લોન માટેના દાખલા આપવા તલાટીએ માંગી લાંચ : જાગૃત નાગરિકની ફરિયાદને આધારે બનાસકાંઠા ACBના પોલીસ ઇન્સ્પેકટર એન. એચ. મોર અને મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની ટીમે રંગે હાથ પકડી ગુનો દાખલ કર્યો

પાલનપુર : ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ આપતા, બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે પાલનપુર તાલુકાના ટાકરવાડા ગ્રામ પંચાયતમાં સફળતાપૂર્વક છટકું ગોઠવી એક તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ બનાવથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર વધુ એક પ્રહાર થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટાકરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી (વર્ગ-૩) મીનાબેન લવજીભાઈ પરમારને ₹૪૦૦૦ ની લાંચ સ્વીકારતા ACB એ ઝડપી લીધા હતા. આ ટ્રેપ આજે, ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ ટાકરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગોઠવવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસના ફરિયાદી, એક જાગૃત નાગરિકના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હતી. આ લોન માટે ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુર્દિશાના દાખલાની જરૂરિયાત હતી. આ દાખલા મેળવવા માટે ફરિયાદી તલાટી મીનાબેન પરમારનો સંપર્ક કર્યો હતો. જોકે, તલાટી મીનાબેન પરમારે આ દાખલા આપવાની અવેજ પેટે ગેરકાયદેસર રીતે ₹૪૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
જાગૃત નાગરિક અને ACBની સક્રિયતા:
ફરિયાદી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક બનાસકાંઠા ACB નો સંપર્ક કર્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદીની ફરિયાદના આધારે, બનાસકાંઠા ACB પો.સ્ટે., પાલનપુરના પોલીસ ઇન્સ્પેકટર એન. એચ. મોર દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપી મીનાબેન પરમારે ફરિયાદી સાથે સ્થળ પર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ₹૪૦૦૦ સ્વીકારી હતી. ACB ટીમે તેમને લાંચની રકમ સાથે રંગે હાથ પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ ટ્રેપથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે ACB સક્રિય અને કટિબદ્ધ છે, અને જાગૃત નાગરિકોના સહયોગથી આવા ભ્રષ્ટ અધિકારીઓને સકંજામાં લઈ શકાય છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
