<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

વડોદરામાં સામાજીક કાર્યકર વિલ્સન સોલંકીની ધરપકડ : યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ છાણી પોલીસની મોટી કાર્યવાહી

15 વર્ષની હતી ત્ત્યારથી શારીરિક શોષણ : યુવતીની સગાઈ બીજે ક્યાંક નક્કી થઈ તો આરોપીએ સગાઇ તોડાવી નાખી: આશ્વાસન આપ્યું કે, હવે તે લગ્ન કરશે, પરંતુ વિશ્વાસઘાત કરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા

વડોદરાના સામાજિક કાર્યકર પર કબૂતરબાજી પછી હવે વધુ એક ગંભીર શરમજનક આરોપો લાગ્યા છે. છાણી પોલીસ મથકે યુવતીએ સામાજિક કાર્યકર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. છાણી પોલીસ ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક હરકતમાં આવી હતી. સામાજિક કાર્યકર્તાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં સામાજિક કાર્યકર્તાના નકાબ પાછળ છુપાયેલ વિલ્સન સોલંકીનું બીજું રૂપ સામે આવતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવની શરુઆત નવેમ્બર - 2016માં થઈ હતી ત્યારે યુવતી માત્ર 15 વર્ષની હતી. સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકીએ યુવતીને કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ અને આવું કહી યુવતીનો ભરોસો જીતીને તેના પર શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકી પહેલા જ પરણિત હતો અને તેને એક સંતાન પણ છે, છતાં તેને આ વિગત છુપાવી હતી.

વર્ષો સુધી યુવતી સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકીની લાલચમાં આવી દુષ્કર્મનો ભોગ બનતી રહી. ત્યારબાદ જ્યારે યુવતી પુખ્ત વયની થઈ અને તેની સગાઈ બીજે ક્યાંક નક્કી થઈ, ત્યારે આરોપીએ એની સગાઈ તોડાવી નાખી. આશ્વાસન આપ્યું કે, હવે તે લગ્ન કરશે, પરંતુ 14 ફેબ્રુઆરીએ યુવતી સાથે વિશ્વાસઘાત કરીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ શરૂ કરી અને હવે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આરોપી વિલ્સન સોલંકી માત્ર સામાજિક કાર્યકર તરીકે જ નહીં, અગાઉ વડોદરા કોર્પોરેશનની ચૂંટણીઓ લડી ચૂક્યો છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ કબૂતબાજી જેવા વિવાદો ઉઠ્યા હતા. હવે આ દુષ્કર્મના આરોપ સાથે તેનો વિવાદાસ્પદ ઇતિહાસ વધુ ગંભીર બન્યો છે. છાણી પોલીસે આરોપી વિલ્સન સોલંકીની ધરપકડ કરી છે અને મેડિકલ તપાસ સહિત કાયદેસરની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ, યુવતીએ પોલીસ સમક્ષ આપેલ વિગતવાર નિવેદન બાદ આખા વિસ્તારમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

 

(8:39 PM IST)