News of Tuesday, 24th June 2025
મેઘરાજાએ પંચમહાલને તરબોળ કર્યું : ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા : જનજીવન ખોરવાયું: ભારે હાલાકી
ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા: હાલોલના કોઠી ફળિયા ખાતે દંપતી તણાયા:નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદ :મેઘરાજા પંચમહાલ જિલ્લાને ઘમરોળી રહ્યા છે. વહેલી સવારથી ત્યાં અવિરત ચાલતા વરસાદ સમગ્ર જિલ્લાની હાલત બગાડી નાંખી છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો હાલોલના કોઠી ફળિયા ખાતે દંપતી તણાયા હતા. યમુના કેનાલ પાસે આવેલી કેબિનમાં બંને વ્યક્તિ બેઠા હતા. તે દરમિયાન અચાનક જ ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો હતો. જેમાં બંને તણાઈ ગયા હતા. તેમાંથી પતિને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે પત્નીનું તણાઈ જતા મોત નીપજ્યું હતું.
ભારે વરસાદને પગલે પાવાગઢ ડુંગર પર જતા વાહનોને રોકવામાં આવ્યા હતા. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારે વરસાદને પગલે કેટલાક યાત્રાળુઓ પાવાગઢ ડુંગર પર અટવાયા હતા. રોપ વે સેવા પણ ભારે પવન સાથેના વરસાદને કારણે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી રોપ વે સેવા અને ડુંગર પર જવાનો રસ્તો બંધ રહેશે.
બીજી તરફ હાલોલ-વડોદરા હાઈ વે પર ભારે ટ્રાફિકજામ થયો છે. છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 2 કલાક ઉપરાંતથી હાલોલ-વડોદરા હાઈ વે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. વડોદરા તરફ જઈ રહેલા વાહનચાલકો અટવાયા હતા. રસ્તા પર પાણી ફરી વળતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.
પાવાગઢમાં ધોધમાર વરસાદને પગલે દાદરા પણ ધસમસતું ઝરણું વહેતું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે દાદર પર નદીઓ વહેતી થઈ હતી. આ સાથે દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પરિવાર સાથે આવેલા યાત્રાળુઓ સાવચેતીથી નીચે ઉતરતા જોવા મળ્યા હતા. પાવાગઢ પર ધોધમાર વરસાદને કારણે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. વધુ વરસાદને કારણે દાદર પર પાણી ભરાયા હતા.
ભારે વરસાદને પગલે હાલોલ પણ જળબંબાકાર બન્યું છે. હાલોલમાં કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વડ્યા છે. હાલોલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો અમુક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલોલ તાલુકામાં વરસાદને કારણે હાલોલ-શામળાજી રોડ પર ચક્કાજામ સર્જાયો છે.
ગોધરા શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ડ્રેનેજ લાઈનોની યોગ્ય સફાઈ ન થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. બામરોલી રોડ, ચિત્રાખાડી, ભુરાવાવ, અંકલેશ્વર મહાદેવ, પ્રભાકુંજ, કલેકટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
