News of Tuesday, 24th June 2025
બારડોલીમાં મેઘરાજા મહેરબાન, ૪ કલાકમાં ૫ ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા
જનજીવન અસ્તવ્યસ્તઃરસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી શરૃ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા

બારડોલી,તા.૨૪
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે આજે વહેલી સવારે ૬ઃ૦૦ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર ૪ કલાકમાં ૪.૮ ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૃ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા રહેણાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણી ઉલેચતાં નજરે પડ્યા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
જો અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો તાપીના વ્યારામાં ૩.૯૮ ઇંચ, વાપીમાં ૩.૯૪ ઇંચ, તાપીના સોનગઢમાં ૩.૫૪ ઇંચ, ઉમરાપાડામાં ૩.૦૩ ઇંચ, ભરૃચના નેત્રંગમાં ૨.૯૯ ઇંચ, નર્મદાના દેડિયાપાડા ૨.૯૧ ઇંચ, સુરતના મહુવામાં ૨.૯૧ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૨.૭૬ ઇંચ, સુરતના માંડવીમાં ૨.૪૮ ઇંચ, સુરત શહેરમાં ૨.૨ ઇંચ અને સુરતના કામરેજમાં ૨.૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ૧૦ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૧ ઇંચ અને પલસાણા તાલુકામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગત ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ૪ ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૃચ તાલુકામાં ૩-૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૧ જિલ્લાના કુલ ૧૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧ ટકાથી વધુ નોંધાયો છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
