<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

દેશની મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫ નું યજમાન બનશે ગુજરાત: ભુજમાં ટોચની મહિલા ખેલાડીઓ વચ્ચે ટક્કર

કચ્છી લેઉવા પટેલ સમાજના આયોજન તળે ૨૮/૬ થી ૩/૭ સુધી દેશભરની ૫૪૦ મહિલા ખેલાડીઓ વચ્ચે ટક્કર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ટુર્નામેન્ટને ખુલ્લી મુકશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલી રાષ્ટ્રીયકક્ષાની સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું આયોજન કચ્છમાં થઇ રહ્યું છે જેમાં કચ્છી લેઉવા પટેલ સમાજ ભુજ મુખ્ય આયોજક છે. જીલ્લામાં રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરના અનુભવો કચ્છના યુવાન-યુવતીઓ પ્રાપ્ત કરે, રમતગમતનું ઉચ્ચસ્તરનું કલ્ચર ડેવલપ થાય તે હેતુથી લેઉવા પટેલ સમાજ દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેમાં અનેક દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

​કચ્છી લેઉવા પટેલ સમાજ ભુજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતેના લાલજી રૂડા પિંડોલીયા રમતગમત સંકુલ ખાતે તા.૨૮/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી છ દિવસના આ ભવ્ય આયોજનમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ ફેડરેશન ગુજરાત, હેન્ડબોલ ફેડરેશન કચ્છ સહયોગી છે અને આયોજનમાં મુખ્યભુમિકા ભજવી રહ્યું છે.

​આ ૫૪મી સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાશીત પ્રદેશોની ટીમોના ૫૪૦ મહિલા ખેલાડીઓ, ૧૮ કોચ-મેનેજર ભાગ લેવાના છે. તે માટે જરૂરી તમામ આનુષાંગિક ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓ કરાઈ છે.

​આ સ્પર્ધામાં રાષ્ટ્રના અર્ધલશ્કરી દળો જેવા કે એસ.એસ.બી, બીએસ એફ, ​સીઆરપીએફ, પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઇ રહ્યા છે.

​આયોજન માટે કચ્છ જીલ્લાના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ કલેકટર આનંદ પટેલ, જીલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, જીલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનું માર્ગદર્શન મળી રહ્યો છે.

​સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ તા.૨૮/૦૬/૨૦૨૫, શનિવાર બપોરે બે વાગ્યે રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે દબદબાભેર પ્રારંભ થનાર છે. જેનું આયોજન લેઉવા પટેલ સમાજના માતૃશ્રી ધનબાઇ પ્રેમજી ગંગાજી કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યની ટીમો અને સ્થાનિક રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં રમેલ ખેલાડીઓ, આમંત્રિતોની ઉપસ્થિતિમાં થનાર છે. જેમાં કચ્છ જીલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, રાષ્ટ્રીય ફેડરેશનના સેક્રેટરી પ્રદીપ સલુજા(મધ્યપ્રદેશ), ગુજરાત ફેડરેશનના પ્રમુખ પ્રદીપકુમાર બાલમુંચું(ઝારખંડ), ગુરુશરણ સિંગ ગીલ(પંજાબ, ગુજરાત હેન્ડબોલ એસોશિયેશન જનરલ સેક્રેટરી રવિન્દ્રસિંગ રાજપુત, ઓલઇન્ડિયા હેન્ડબોલ કોચ ચંદ્રપાલસિંહ(હરિયાણા), કચ્છ એસોશિયેશન મંત્રી મનિષ પટેલ ઉપસ્થિત રહેશે.

​મુખ્ય આયોજક કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસીયાના માર્ગદર્શન હેઠળ હિમ્સ, એસ.વી.સી.ટી(સગોમા), કચ્છીયત ફાઉન્ડેશન, જૈન મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટ, માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય સહયોગી રહેશે.

​કચ્છી લેવા પટેલ સમાજ ભુજ હેઠળ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૦૦૦ કન્યા-કુમાર અભ્યાસ કરે છે. શાળાકિય રમતોમાં રાષ્ટ્રકક્ષાએ ભાગ લઇ ચુક્યા છે.

​જીલ્લાના સર્વ‌જ્ઞાતિય રમતવીરોને ભુજ લેવા પટેલ સમાજ દ્વારા પ્રોત્સાહન અને તાલીમ વર્ષોથી અપાઈ રહી છે, સમાજ દ્વારા ૨૫ વર્ષથી આરોગ્યક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ જનસામાન્યને રાહતદરે અપાય છે જેમાં ૨૦૦-૨૦૦ બેડની બે હોસ્પિટલ જેમાં માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર તેમજ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેરીટી ધોરણે સેવારત છે. કચ્છ જીલ્લાને ઉચ્ચસ્તરીય મેડિકલ સેવાઓમાં આત્મનિર્ભર કરનાર લેઉવા પટેલ સમાજ રાષ્ટ્રકક્ષાની આ મોટી સ્પર્ધા યોજી રહ્યું છે જેને નિહાળવા જીલ્લા તેમજ રાજ્યના રમતગમત પ્રેમીઓને ઇજન અપાયું છે. સમાજ દ્વારા જિલ્લાને રમતગમતની સંસ્કૃતિ મજબુત બનાવવા થઇ રહેલા પ્રયાસોના પ્રચારપ્રસાર માટે સહયોગી બનવા સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર, મિડિયાને વિનંતી છે.

​સ્પર્ધા માટે રાષ્ટ્રસ્તરના મેદાનો તૈયાર કરાયા છે અને ઉચ્ચસ્તરીય ઉદ્ઘાટન સમારોહ માટે તડામાર તૈયારી કરાઈ રહી છે. તે માટે ૧૦૦ જેટલા સ્વયંસેવકો, જીલ્લા-રાજ્યના કોચ સહયોગી છે. ખેલાડીઓ માટે રાજ્યની પસંદગી અનુસાર ભોજન-આવાસની વ્યવસ્થા કરાઈ છે જેમાં કચ્છયુનિવર્સિટી પણ સહયોગ આપી રહી છે.

​સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહ માટે તાજેતરમાં ભુજ સમાજની આયોજક ટીમે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે બેઠક કરી માર્ગદર્શન મેળવ્યું હતું અને આમંત્રિત કર્યા હતા.

(10:07 AM IST)