<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નર્મદા જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ :નાંદોદમાં 8,6 ઇંચ ખાબક્યો તિલકવાડા અને દાહોદ તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

ગત 24 કલાકમાં 142 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ : જેતપુર પાવી, શહેરા. ધરમપુર અને વાપી તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ :રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 142 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

 

વધુમાં રાજ્યના 7 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, 16 તાલુકામાં 2 ઇંચથી વધુ, 25 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 67 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે તારીખ 25 જૂન 2025ના રોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

(12:19 PM IST)