<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

વકફ બોર્ડની મિલકતોના ડિજિટલાઇઝેશન માટે કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

GPS મેપિંગ, સર્વે અને ઓનલાઈન ડિજિટલાઇઝેશનથી વકફ મિલકતોની ચોક્કસ ઓળખ થશે : બિનજરૂરી તકરારો અને ગેરકાયદેસર દબાણોનો અંત આવશે

ગાંધીનગર, 25 જૂન 2025 : રાજ્યમાં વકફ બોર્ડ હેઠળની મિલકતોના વ્યવસ્થાપન અને પારદર્શિતા વધારવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે વકફ બોર્ડની મિલકતોના GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશનની કામગીરી માટે કુલ રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
આ ફાળવાયેલી રકમનો વિગતવાર ઉપયોગ નીચે મુજબ થશે:
 * વકફ બોર્ડની મિલકતોના GPS મેપિંગ માટે રૂ. 2 કરોડ.
 * સર્વેની કામગીરી માટે રૂ. 2 કરોડ.
 * વકફ બોર્ડની વેબસાઈટ અને ઓનલાઈન ડિજિટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ. 2 કરોડ.
આ કુલ રૂ. 6 કરોડના ભંડોળથી વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે, રેકર્ડ મેનેજમેન્ટ અને વ્યવસ્થાપનની કામગીરીને નોંધપાત્ર વેગ મળશે.
આ કામગીરીના મુખ્ય ફાયદાઓ:
 * આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલકતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે, જેનાથી તેની માલિકી અને સ્થિતિ સ્પષ્ટ થશે.
 * ખરી મિલકતોની જ યોગ્ય રીતે નોંધણી થશે, જેનાથી ખોટી નોંધણીઓ અટકાવી શકાશે.
 * મિલકતો સંબંધિત બિનજરૂરી તકરારોનું નિરાકરણ સરળ બનશે અને કાનૂની ગૂંચવણો ઘટશે.
 * ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં અથવા તેનું નિરાકરણ ઝડપથી લાવી શકાશે, જેનાથી વકફ મિલકતોનું રક્ષણ સુનિશ્ચિત થશે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ Ummeed (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-2025 હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલ વકફ બોર્ડના વહીવટમાં આધુનિકીકરણ અને પારદર્શિતા લાવવામાં મદદરૂપ થશે.

 

(2:50 PM IST)