તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
કટોકટીના 50 વર્ષે 'સંવિધાન હત્યા દિવસ'ની મનાવાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપાતકાલને લોકતંત્રના ઇતિહાસનું 'કલંકિત પ્રકરણ' ગણાવ્યું : નરેન્દ્રભાઈ મોદીના 'સંવિધાન સર્વોપરિતા'ના મંત્રને બિરદાવ્યો!
લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ: કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલે નાગરિકોને મૂળભૂત અધિકારો પ્રત્યે સજાગ રહેવા હાકલ કરી : ગાંધીનગરમાં નાટિકા અને દસ્તાવેજી ફિલ્મ નિહાળી તત્કાલીન સરકારના કૃત્યને યાદ કરાયું

ગાંધીનગર: દેશમાં કટોકટી લાદવાના 50 વર્ષ પૂરા થવા નિમિત્તે આજે 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આપાતકાલ એ દેશના લોકતાંત્રિક ઇતિહાસની સૌથી કલંકિત ઘટના હતી. તેમણે સંવિધાનની ભાવના "વી ધ પીપલ" ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં "સૌના સાથ - સૌના વિકાસ - સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ" ના મંત્રથી વિકસિત ભારતના નિર્માણથી સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવિધાનના મૂલ્યો પર તત્કાલીન સરકાર અને વડાપ્રધાને કરેલા ગંભીર કુઠારાઘાતને યાદ કરતા કહ્યું કે, દેશની હાલની અને આવનારી પેઢીને આ કલંકનો ખ્યાલ આવે અને સંવિધાન પ્રત્યેનું ગૌરવ-ગરિમા ઉજાગર કરવાની જાગૃતિ આવે તે માટે "સંવિધાન હત્યા દિવસ" મનાવવામાં આવે છે.
તેમણે કટોકટીના વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીએ વેશ પલટો કરીને સંવિધાનની રક્ષા માટે અને લોકશાહી મૂલ્યોને જીવંત રાખવા માટે એ સમયની સરકાર સામે સતત ઝઝુમ્યા હતા તેનું પણ ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારોને નીતિ નિર્ધારણ અને શાસન વ્યવસ્થા માટે દીવાદાંડીરૂપ સંવિધાનની હત્યાથી બંધારણના આત્માને તત્કાલીન સરકારે કચડી નાખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ જ સંવિધાનને અને દેશહિતને સર્વોપરિ માનીને સંવિધાન પ્રત્યેના ઉચ્ચ સન્માન ભાવનું દેશ અને દુનિયાને દર્શન કરાવ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સંવિધાનના 25 વર્ષ થયા ત્યારે તત્કાલીન સરકારે આપાતકાળ લાદીને સંવિધાનનું ગૌરવ હણી લીધું હતું, એ સંવિધાનના 60 વર્ષ થવા અવસરે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ હાથીની અંબાડી પર બંધારણ મૂકીને સંવિધાન ગૌરવ યાત્રાથી સંવિધાનનું સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંવિધાનની ભાવના "વી ધ પીપલ" ને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સાકાર કરવાની પ્રતિબદ્ધતા આ તકે વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સંવિધાનને સુસંગત રહીને અને તેનું પાલન કરીને નારીશક્તિ વંદના અધિનિયમ, ત્રિપલ તલાક, નાગરિક સંશોધન અધિનિયમ જેવા અનેક સુધારાઓ કર્યા છે, તેની પણ ભૂમિકા આપી હતી. આ ઉપરાંત નાગરિકોના હિતમાં સંવિધાનમાંથી 35-એ અને ધારા 370 દૂર કરીને અખંડ ભારતનું નિર્માણ કરી દેશહિત માટે સંવિધાનની રક્ષા કરી છે તેમ પણ જણાવ્યું હતું.
કાયદા અને ન્યાયતંત્ર મંત્રી ઋષિકેશ પટેલે દેશના નાગરિકોને લોકશાહીના પ્રહરી ગણાવતા જણાવ્યું હતું કે, લોકશાહી પ્રણાલીથી ચાલતો ભારત દેશ ક્યારેય તાનાશાહી તરફ ન જાય તે માટે નાગરિકોએ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સજાગ રહેવું અત્યંત જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે, ભૂતકાળમાં તત્કાલીન સરકાર દ્વારા દેશમાં કટોકટી લાગુ કરીને નાગરિકોના મૂળભૂત અધિકારો હડપી લેવામાં આવ્યા હતા. એટલા માટે જ, આજની યુવાપેઢી આ ઘટનાથી બોધપાઠ લઈ શકે અને ભવિષ્યમાં આવી ભૂલનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તેવા નેક હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર દેશમાં લોકજાગૃતિ કેળવવા "સંવિધાન હત્યા દિવસ-2025" કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
મંત્રી ઋષિકેશ પટેલે "સંવિધાન હત્યા દિવસ" ની ઉજવણી પાછળના વિચાર અંગે કહ્યું હતું કે, ભારતના સંવિધાનમાં દર્શાવ્યા મુજબ નાગરિકોને જન્મ સાથે જ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા અનેક મૂળભૂત અધિકારો મળે છે. ભૂતકાળમાં તત્કાલીન સરકારે પોતાનું વર્ચસ્વ અને ખુરશી જાળવી રાખવા માટે સંવિધાનની કલમ 352નો દુરુપયોગ કરીને આજના જ દિવસે એટલે કે, તા. 25 જૂન, 1975ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટી લાગુ કરી હતી. આ કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત બંધારણીય અધિકારોને છીનવીને લોકશાહી અને સંવિધાનની હત્યા કરવામાં આવી હતી. આવી કલંકિત ઘટનાને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ ઘટના પ્રત્યે લોકજાગૃતિ કેળવવા જ આજના દિવસને "સંવિધાન હત્યા દિવસ-2025" તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન કાયદા નિષ્ણાત અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠીએ ભારતના સંવિધાન, તેમાં દર્શાવવામાં આવેલા નાગરિકોના મૂળભૂત અધિકારો, ભૂતકાળમાં સંવિધાનમાં થયેલા સુધારા, સંવિધાનની વિવિધ કલમના દુરુપયોગ તેમજ વર્ષ 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ, તેમણે નાગરિકોને પોતાના સંવિધાનિક અધિકારો બાબતે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભગના કમિશનર અલોકકુમાર પાંડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી અને ઉપસ્થિત સૌ મહાનુભવો, નાગરિકોએ કટોકટી અંગેની ડોક્યુમેન્ટરી અને નાટિકા પણ નિહાળ્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સંસદીય અને વૈધાનિક બાબતોના વિભાગના સચિવ કે. એમ. લાલા, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એમ. કે. દવે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો, અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
