તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ₹18,000 કરોડથી વધુના 21 'હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સ'ની સર્વગ્રાહી સમીક્ષા કરી : ગુણવત્તા અને સમયબદ્ધતા પર ભાર : મુખ્ય સચિવને નિયમિત મોનિટરિંગ સૂચવાયું
ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ : સુરત-વાપી ડીપ-સી પાઈપલાઈન, ભાવનગર પોર્ટ, નવી સિવિલ હોસ્પિટલો અને ખેડાના અધતન પોલીસ તાલીમ કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સની પ્રગતિ ચકાસાઈ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના સર્વગ્રાહી વિકાસને વેગ આપતા ₹18,000 કરોડથી વધુના 21 જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા હાથ ધરી હતી. તેમણે તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને રાજ્યના 9 જેટલા વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિકાસને ગતિ આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવાનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતની વિકાસના રોલ મોડલ તરીકેની જે ઈમેજ પ્રસ્થાપિત થઈ છે, તેને આવા પ્રોજેક્ટ્સના અસરકારક રીતે ગુણવત્તાસભર અને સમયસર લોકાર્પણ-ખાતમુહૂર્ત દ્વારા વધુ ઉજ્જવળ બનાવવાની છે. તેમણે હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રારંભિક કામગીરીથી લઈને પ્રોજેક્ટ પૂરા થવા સુધી સંબંધિત વિભાગોના સંકલન માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટી સમયાંતરે સમીક્ષા બેઠકો યોજે તેવું પ્રેરક સૂચન કર્યું. એટલું જ નહીં, આવા પ્રોજેક્ટ્સની પ્રગતિ-કામગીરીના સતત ફોલોઅપ માટે વરિષ્ઠ અધિકારીઓને ફિલ્ડ વિઝીટ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા. તેમણે કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયો સંકળાયેલા પ્રોજેક્ટ્સમાં પણ સતત ફોલોઅપ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવોને માર્ગદર્શન પૂરું પાડ્યું.
મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ:
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત અને વાપીના ઉદ્યોગો માટે ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટ્સ, ભાવનગર બ્રાઉન ફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા અને મઢવાડ ફિશિંગ હાર્બર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ઉદ્યોગ અને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા થયેલી કામગીરીની વિગતો મેળવી.
રાજ્યના ધોરીમાર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ તેમજ મોટા પૂલોના નિર્માણની કામગીરી અંગે માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને પ્રોજેક્ટ્સની કાર્યવાહીની સમીક્ષા કરી.
ખેડાના ખલાલમાં ₹500 કરોડના ખર્ચે નિર્માણાધીન અદ્યતન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના કેમ્પસની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી. આ કેમ્પસમાં 2500થી વધુ પોલીસ કર્મીઓને તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થાઓ છે.
મુખ્યમંત્રીએ સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં નવી ઓ.પી.ડી.નું બાંધકામ તથા ગાંધીનગરના માણસામાં નિર્માણ થનારી 425 બેડની સિવિલ હોસ્પિટલના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ પાસેથી વિગતો મેળવીને પ્રોજેક્ટ્સમાં ગતિ લાવવા અંગે માર્ગદર્શન આપ્યું.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 10 હજાર જેટલા EWS આવાસોના બાંધકામ તથા દહેગામ- હિંમતનગર રેલ્વે સ્ટેશન વચ્ચે તલોદ ખાતે રેલ્વે ઓવરબ્રીજ પ્રોજેક્ટ સંદર્ભે શહેરી વિકાસ અગ્ર સચિવ સાથે મુખ્યમંત્રીએ સમીક્ષા હાથ ધરી.
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગઢકામાં અમુલ ફેડ ડેરી પ્લાન્ટ, જળ સંપત્તિ વિભાગના પાઈપલાઈન પ્રોજેક્ટ્સ, વડોદરા અને દાહોદ જિલ્લાઓમાં વીજ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેશન વર્ગ સહિતના પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા ખાતરી (Quality Assurance) ને અગ્રતા આપવા સંબંધિત સચિવોને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, વિભાગોના અગ્ર સચિવો અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ ડો. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
