News of Wednesday, 25th June 2025
મહેસાણાના પઢારીયામાં ૧ મતથી સરપંચ બન્યા રતનસિંહ ચાવડા
પંચમહાલમાં ૫ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેરઃપઢારીયા ગામમાં ફક્ત ૧ મતથી રતનસિંહ ચાવડા વિજયી બન્યા છે ૧ મત વધુ હોવાના કારણે રતનસિંહ ચાવડા સરપંચ બન્યા છે

મહેસાણા,તા.૨૫
મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો છે. તમામ તાલુકા મથકોએ મતગણતરીનો પ્રારંભ આજે સવારથી જ થઈ ગયો છે. ૨૩૦ ગ્રામ પંચાયતોમાં ૨૨૭ સરપંચ પદ અને ૬૫૨ સભ્યોની મત ગણતરીનો પ્રારંભ થયો છે. તમને જણાવી દઈએ કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૭૫.૭૭ ટકા મતદાન થયું હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મત ગણતરી કેન્દ્રો ઉપર હાલમાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે અને ચૂંટણી પરિણામોને લઈને ગ્રામ્યસ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના પઢારીયા ગામે રોમાંચક પરિણામ આવ્યું છે, પઢારીયા ગામમાં ફક્ત ૧ મતથી રતનસિંહ ચાવડા વિજયી બન્યા છે. ૧ મત વધુ હોવાના કારણે રતનસિંહ ચાવડા સરપંચ બન્યા છે.
ગુજરાતમાં સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ બાદ પંચમહાલના ચૂંટણી પરિણામો સામે આવ્યા છે. પંચમહાલમાં ૫ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં સરાડીયા, ખોડા, સાજીવાવ અને ધમાઈગામમાં ચૂંટણી પરિણામ જાહેર થતા જ સરપંચ કોણ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે. પંચમહાલમાં હાલમાં ૫ ગ્રામપંચાયતની ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ગામોમાં સરાડીયા ગામમાંથી દલપતસિંહ બારીયાની જીત થઈ છે. ખોડા ગામમાં ગજરાબેન પગી વિજેતા જાહેર થયા છે અને સાજીવાવમાં જશવંતસિંહ ખાંટ વિજેતા થયા છે. જ્યારે ધમાઇ ગામમાં મનિષા બારીયાએ સારા મતોથી જીત મેળવતા સરપંચ બનશે. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગ્રામપંચાયતની ચૂંટણી થઈ હતી. અને આજે ૧૧ ગ્રામપંચાયતની પેટાચૂંટણી પરિણામને લઈને મતકેન્દ્રો પર મતગણતરી શરૃ કરવામાં આવી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
