<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અમરેલીમાં વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે ૮૦ વર્ષના બા બન્યા સરપંચ

ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેરઃઅરવલ્લીમાં પણ ટાઈ પડી, ચિઠ્ઠી ઉછાળી જાહેર કર્યા સરપંચ, પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ

ગાંધીનગર, તા.૨૫

કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં ૪૫૬૪ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૭૫૧ ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે સવારે મત ગણતરી શરૃ થઈ હતી.

અમરેલીમાં પણ એક જોરદાર સમાચાર સામે આવ્યા. અહીં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય ૮૦ વર્ષ છે. તેમનો વિજય ૩૮૬ વોટથી થયો છે. જીતની સાથે તેમ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-૬ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને ૫૮-૫૮ વોટ મળતાં ટાઈ પડી હતી.

વડોદરામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે સવારે મત ગણતરી શરૃ થઈ હતી. દશરથ ખાતે આવેલી એમ.પી.પટેલ હાઇસ્કુલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા તે સમયે ગાયો ધસી આવતા ભારે નાસભાગ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકોએ તેમ જ પોલીસે પણ ગાયોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ગાયો દોડવા લાગતા લોકોમાં પણ નાસભાગ સર્જાઇ હતી.

ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ બની ગયા છે. પિતાએ ૫૭૬ મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે. મહેસાણામાં પણ પઢારિયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ સામે આવ્યા. અહીં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા જેઓ ફક્ત એક વોટના અંતરથી વિજયથી થતા કૂતુહલ સર્જાયું હતું.

ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે ૩૩૮-૩૩૮ મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાલતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાવનગરની દેવળીયા અને જીવાપુર ગ્રામ પંચાયતમાં મતદારોએ મહિલા ઉમેદવારને સુકાન સોંપ્યું છે. દેવળીયામાં હર્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર ૩૦૬ મતોથી વિજય થયો છે, જ્યારે જીવાપુરમાં દયાબેન રમેશભાઈ પરમાર ૩૮૧ મતથી વિજયી બન્યા છે.  માંગરોળની જૂના કોટડા ગામ પંચાયતની ચૂંટણીમાં નરસીંગભાઇ ખેરની જીત થઇ છે. ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૃ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-૮માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો હતો. રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે.

ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-૪ પરષોત્તમ કરશનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, જ્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ ૭માં  વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે. સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઇ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ જીત મેળવી છે. અમરેલીની દલડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમિયતબેન જાડેજાનો ૧૬ મતોથી વિજય થયો છે. જ્યારે ઇશ્વરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિભાઇ માયાપાદરનો ૧૫૦ મતોથી વિજય થયો છે.

મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. આ આખી મતગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૩૬૫૬ સરપંચ માટે ૮ હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને હતા. જ્યારે ૧૬,૨૨૪ સભ્યો માટે ૭૦ હજારથી વધુ દાવેદારો ચૂંટણી લડી રહ્યાં છે. સામાન્ય, મધ્યસત્ર ચૂંટણીમાં કુલ ૭૮.૨૦ ટકા મતદાન નોંધાયુ છે. ૩૦,૪૮,૪૩૪ પુરૃષ અને ૨૮,૦૬,૫૬૧ મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કુલ મળીને ૮૧ લાખ મતદારો પૈકી ૫૮.૫૬ લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ડાંગમાં સૌથી વધુ ૮૯.૫૪ ટકા જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું ૬૬.૭૭ ટકા મતદાન નોંધાયુ હતું. વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા સહિત અન્ય બે સ્થળોએ ફરી મતદાન કરવા પણ નક્કી કરાયુ હતું.

(10:00 PM IST)