<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

વડોદરા એલસીબીને મોટી સફળતા : 1.58 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા માટે ફરતા 6 આરોપી ઝડપાયા

બીલ કેનાલ રોડ પાસે આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ફોરેસ્ટ વિભાગ અને ફોરેન્સિક ટીમની હાજરીમાં દરોડા: આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ 1.65 કરોડનો મુદ્દામાલ કબજે

વડોદરા એલસીબી ઝોન-2ના સ્ટાફે એક મોટી કાર્યવાહી કરીને બીલ કેનાલ રોડ પાસે આવેલા કોમ્પ્લેક્સ માંથી 6 શખ્સોની ધરપકડ કરી છે અને અંદાજે રૂપિયા 1.58 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સહિત કુલ 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરમાં કેટલાક શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી વેચવાના ઈરાદે ફરી રહ્યા છે. જેના આધારે બીલ કેનાલ રોડ પાસે આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ફોરેસ્ટ વિભાગ અને ફોરેન્સિક ટીમની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમ્યાન રૂ. 1.58 કરોડની વ્હેલ ઉલ્ટી મળી આવતા પોલીસે રાજુ ભરવાડ, ગૌતમ વસાવા, દિપક રબારી, સુરેન્દ્રસિંહ ચાવડા, સિધાર્થ તડવી, સુરજસિંહ કાંબોજની ધરપકડ કરી આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો

વિદેશમાં ખૂબ જ ઉંચી કિંમતે વેચાતી વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ દવાઓ, સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રીમિયમ ઉત્પાદનો માટે થાય છે. જોકે, ભારત સહિત અનેક દેશોમાં તેનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ત્યારે કેટલાક શખ્સો નફો કમાવાની લાલચે તેના ગેરકાયદેસર વેપારમાં સક્રિય થાય છે. હવે આ મામલે અટલાદરા પોલીસ મથકમાં ગુનો નોંધતા ગુનાહિત સક્રીયતાના દરેક પાસાંએ તપાસ ચાલી રહી છે.

(12:36 AM IST)