તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણયઃ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટયુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર ચૂકવશે
આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના નિયમોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો

અમદાવાદ, તા. ર૬: આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર કરી રોજગારી મેળવવાની તકોનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવળત્તિ યોજના અમલી બનાવાઈ છે આ યોજના અંતર્ગત આદિજાતિ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
આ યોજના અંતર્ગત કરાયેલા ફેરફારોમાં મુખ્યત્વે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટયુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે આદિજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રકિયા શરૂ થાય તે પૂર્વે રાજ્ય સરકારે આ યોજનાને લગતા નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ, ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં માટે ટયુશન ફી અનુક્રમે રૂ.૬.૦૦ લાખ, રૂ. ૨.૫૦ લાખ તેમજ રૂ.૧.૦૦ લાખની વાર્ષિક મર્યાદા રાખવામાં આવી છે. જેમાં બદલાવ કરીને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ભારત સરકાર દ્વારા આ અભ્યાસક્રમો માટે નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંતની ટયુશન ફી હોય તો તે રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે.
પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ ૨૦૨૫-૨૬થી સરકારી ક્વોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરીટ યાદીમાં પ્રવેશ મેળવનાર મેરીટોરીયસ વિદ્યાર્થીઓને શિષ્યવળત્તિનો લાભ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઇપણ આર્થિક ભારણ વગર આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીનું ઘડતર સ્વમેળે કરી શકે તેવા હેતુથી કાર્યરત આ યોજના હેઠળ દર વર્ષે ૨.૫૦ લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થીઓને અંદાજે રૂ.૬૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવે છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
