<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સુરતના ગણેશભાઈ સાવંત દ્વારા માતૃશ્રીના સ્મરણાર્થે સતત ૨૧મા વર્ષે સિનિયર સિટીઝનોને વિનામૂલ્યે ધાર્મિક પ્રવાસનું આયોજન : ૧૨૦ વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો!

ઉનાઈ, સાપુતારા, સપ્તશૃંગી, નાસિક, શિરડી સહિતના સ્થળોનો ૩ દિવસીય પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન : ગણેશભાઈએ સ્વયં ચા-નાસ્તો બનાવી સેવા આપી : વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા

સુરત, તા. ૨૬ જૂન : સુરત શહેરના જાણીતા સમાજ સેવક ગણેશભાઈ પી સાવંત દ્વારા તેમના દિવંગત માતૃશ્રી સ્વ. સેવંતીબેન પાંડુરંગ સાવંતના પુણ્ય સ્મરણાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ૨૧મા વર્ષે સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે ધાર્મિક સ્થળોના પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનોને ધ્યાનમાં રાખીને કરાયેલા આ આયોજનને જબરો પ્રતિસાદ મળ્યો હતો.
ગણેશભાઈ દ્વારા તારીખ ૨૨મી જૂન, ૨૦૨૫ના રવિવારના રોજ રાત્રિના સમયે બે બસ દ્વારા કુલ ૧૨૦ સિનિયર સિટીઝનોને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસીય ધાર્મિક પ્રવાસ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન યોજાયો હતો. પ્રવાસીઓએ ઉનાઈ, સાપુતારા, સપ્તશૃંગી, નાસિક, શિરડી, શનિદેવ મંદિર અને મુક્તિધામ જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી. સફળતાપૂર્વક પ્રવાસ પૂર્ણ કરીને તારીખ ૨૫મી જૂન, બુધવારના રોજ રાત્રે તમામ સિનિયર સિટીઝનો સુરત પરત ફર્યા હતા.
આ પ્રવાસ દરમિયાન ગણેશભાઈએ અનોખી સેવાનો દાખલો બેસાડ્યો હતો. તેમણે તમામ સિનિયર સિટીઝનો માટે પોતાના હાથેથી ચા-નાસ્તો બનાવીને પીરસ્યો હતો. આ ઉપરાંત, તેમણે દરેક પ્રવાસીનું પોતાના મા-બાપની જેમ ધ્યાન રાખ્યું હતું અને તેમની જરૂરિયાતો પૂરી કરી હતી. તેમના સ્વયંસેવકો દ્વારા પણ તમામ સિનિયર સિટીઝનોની સેવા અને સંભાળ રાખવામાં આવી હતી.
આ સેવાકીય કાર્ય કરીને ગણેશભાઈ પી સાવંતે અત્યંત આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી હતી. બીજી તરફ, પ્રવાસમાં સામેલ થયેલા સિનિયર સિટીઝનોએ પણ આ પ્રવાસમાં ખૂબ જ મોજમસ્તી કરી હતી અને પ્રવાસના આયોજન તેમજ ગણેશભાઈ સાવંતની સેવાની મુક્તપણે પ્રશંસા કરી હતી. પ્રવાસીઓએ ગણેશભાઈને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા, જે તેમના આ સેવા કાર્યની સફળતાનું પ્રતીક છે. આ પ્રવાસ દ્વારા અનેક વૃદ્ધજનોને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અને આનંદ માણવાની સુવર્ણ તક મળી હતી.

 

(6:03 PM IST)