<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જમજીર ધોધ નજીક શીંગોડા નદીમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા દીવના 6 પ્રવાસીઓનું દિલધડક રેસ્ક્યું

તમામ 6 સહેલાણીઓને સફળ રીતે રેસ્ક્યુ કર્યાં બાદ તેમને સારવાર અર્થે ગીર ગઢડાના CHC સેન્ટર ખાતે લઈ જવાયા

વરસાદી વાતાવરણમાં કુદરતી સંપદા અને નદીનાળાને જોવાં માટે અનેક સહેલાણીઓ ગીર સોમનાથ જિલ્લામાં પધારતા હોય છે. આવા જ દીવથી ફરવા આવેલા 6 સહેલાણીઓ ગીર ગઢડા તાલુકાના જામવાડા પાસે આવેલા જામજીર ધોધ નજીક શીંગોડા નદીમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયાં હતાં.

આ અંગેની જાણ થતાં તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારી પારસ વાંદા તથા લાયઝન અધિકારી કોડીનાર, મામલતદાર, કોડીનાર અને ગીર ગઢડા, વેરાવળ ફાયર વિભાગ, કોડીનાર પોલીસ વિભાગ, જામવાળા ગામનાં સ્થાનિક લોકો તથા તરવૈયાની તાત્કાલિક કામગીરીથી તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં.

તમામ 6 સહેલાણીઓને સફળ રીતે રેસ્ક્યુ કર્યાં બાદ તેમને સારવાર અર્થે ગીર ગઢડાના CHC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, જમજીર ધોધ અને તેની પાસની શિંગોડા નદીમાં વરસાદી પાણી સતત રહેવાના કારણે તેમજ નીચેની ખડકાળ જમીનને કારણે લપસણી ભૂમિ છે. જેને કારણે પ્રતિવર્ષ કોઈને કોઈ આવી ઘટના બનતી હોય છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, વરસાદી માહોલમાં જમજીર ધોધ નજીકનો વિસ્તાર જોખમી હોવાથી તેની નજીક જવું નહીં.

કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ દ્વારા આ વિસ્તારમાં પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલ છે. આથી પોતાના જાન-માલના રક્ષણ માટે સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક આ વિસ્તારમાં પ્રવાસ કરવો. તેમ જ ભરાયેલા પાણીના પ્રવાહની નજીક ન જવા પણ જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.

(9:01 PM IST)