<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદમાં 'શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫'ની ભવ્ય ઉજવણી : મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહની ઉપસ્થિતિમાં કેશવપુર પ્રાથમિક શાળામાં ૯૬ બાળકોનો પ્રવેશ : ૨૮ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળા અપનાવી

સરકારી શાળાઓની ગુણવત્તામાં સુધારાનો સ્પષ્ટ સંકેત : શ્રીમતી અવંતિકા સિંહે 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા બાળકોમાં રોકાણને મહત્વ ગણાવ્યું : વિવિધ સરકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો

ગાંધીનગર, શુક્રવાર, ૨૭ જૂન, ૨૦૨૫ : સમગ્ર રાજ્યમાં આયોજિત ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત અમદાવાદ શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેશવપુર પ્રાથમિક શાળા નંબર-૧માં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
શ્રીમતી અવંતિકા સિંહે કેશવપુર પ્રાથમિક શાળા નંબર-૧ની આંગણવાડીમાં ૧૬ બાળકોને, બાલવાટિકામાં ૩૪ બાળકોને, જ્યારે ધોરણ-૧માં ૪૬ બાળકોને શાળા-પ્રવેશ અપાવ્યો હતો. આમ, કુલ ૯૬ જેટલાં બાળકોએ ઉમંગભેર શિક્ષણ જગતમાં પ્રથમ પગલું ભર્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૮ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને કેશવપુર સરકારી શાળામાં પ્રવેશ લીધો છે, જે સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે.
આ પ્રસંગે શ્રીમતી અવંતિકા સિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. તે સમયે શાળા પ્રવેશ કરેલા બાળકોમાંથી આજે અનેક શિક્ષકો, ઇજનેરો અને મોટા અધિકારીઓ બની દેશ સેવા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દ્વારા લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી છે અને બાળકોનું શાળામાં ભણવાનું પ્રમાણ વધ્યું છે, સાથે જ દીકરીઓના પરિણામોમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
શાળાના પ્રાંગણમાં હરિયાળી અને વૃક્ષો જોઈને શ્રીમતી અવંતિકા સિંહે ખુશી વ્યક્ત કરી હતી. શહેરની મધ્યમાં આટલી સુંદર લીલોતરી ધરાવતી શાળા જોઈને તેમણે આનંદ અનુભવ્યો હતો.
શ્રીમતી અવંતિકા સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે ૨૮ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને આ શાળામાં પ્રવેશ લીધો છે. ખાનગી શાળાઓમાંથી આપણી સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યા ઘણી મોટી છે. ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ આપણી સરકારી શાળાઓની વધતી ગુણવત્તાનો જીવંત પુરાવો છે. અમદાવાદમાં આ વર્ષે બે હજારથી વધુ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે આવેલા આ મૂલ્યવર્ધન બદલ તેમણે શાસનાધિકારી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, રક્ષા શક્તિ યોજના, જ્ઞાન શક્તિ યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વગેરે જેવી અનેક યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓના પરિણામે બાળકોને મળતા પોષણ અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટનો સમય વીતી ગયો હોવા છતાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત ૬૮૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને યોજનાને ત્વરિત અમલમાં મૂકવાનું સૂચન કર્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ અને વિકસિત ગુજરાતના સ્વપ્નને આજના આ બાળકો જ સાકાર કરશે. બાળકોમાં કરવામાં આવતું નાણાં અને સમયનું રોકાણ તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.
શ્રીમતી અવંતિકા સિંહે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓનો પણ આભાર માન્યો હતો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ બાળકો, શાળા પરિવાર અને આંગણવાડી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા શાળા પ્રાંગણમાં સિંદૂર વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ) ના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આજના બાળકો દેશના ભવિષ્યનું નિર્માણ કરશે તેથી તેમના વિકાસ માટે વાલીઓ પૂરતો સહયોગ આપે તેવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા એસ.એમ.સી.ની બેઠકમાં કરાયો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સગર્ભા માતાઓને માતૃશક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું. શાળામાં પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવના આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની જ વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. માર્ગ અકસ્માત એ વૈશ્વિક ચિંતાનો વિષય છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા માર્ગ અકસ્માત થતા અટકાવવા માટેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં શાસનાધિકારી એલ. ડી. દેસાઈ, નાયબ શાસનાધિકારી ડો. પરિમલભાઈ પટેલ, રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપભાઈ દવે, મ્યુનિસિપલ કાઉન્સિલર મુકેશભાઈ મિસ્ત્રી, દીપલબહેન પટેલ અને રશ્મિબહેન ભટ્ટ, કેશવપુર પ્રાથમિક શાળા નંબર ૧ના આચાર્ય તૃપ્તિબહેન પટેલ, એસ.એમ.સી.ના સભ્યો, વાલીગણ સહિત શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(1:59 PM IST)