<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાની 18 કિલોમીટરના રૂટ ઉપર પરિક્રમા : ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા

1200 કિલો મગ,જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરાયો : ભગવાન જગન્નાથજીના દર્શને આવતા દર્શનાર્થીઓને મગ,જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

પાલનપુર તા.૨૭ :આજે અષાઢી બીજનો પાવન પર્વ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે પાલનપુરની નગરચર્યાએ નીકળ્યા છે. પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા 18 કિલોમીટરના રૂટ ઉપર પરિક્રમા કરશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ પાલનપુરના જાહેર માર્ગો પર "જય રણછોડ માખણ ચોર"ના નાદ ગુંજી ઉઠ્યા છે.

આજે અષાઢી બીજના પાવન પર્વને લઈ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજી નગરચર્ય નીકળતા હોય છે. પાલનપુરમાં પણ છેલ્લા 53 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાતી હોય છે. આ વર્ષે  જિલ્લા મથક પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ અને હિંદુ સંગઠનો દ્વારા ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા યોજાઇ રહી છે. શહેરના પથ્થરક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. શહેરના 18 કિલોમીટરના માર્ગ પર આ રથયાત્રા પરિક્રમા કરવાની છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શહેરીજનોને દર્શનનો લાભ આપવા વહેલી સવાથી જ નગર ચર્યાએ નીકળી ચુક્યા છે ત્યારે આ રથયાત્રામાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા 1200 કિલો મગ,જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. ભગવાન જગન્નાથજીના દર્શન એ આવતા દર્શનાર્થીઓને મગ,જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે.

આ રથયાત્રામાં કોઈ અનીચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રામાં 5 પીઆઇ,12 પીએસઆઇ અને 450થી વધુ પોલીસ જવાનો આ રથયાત્રામાં ખડે પગે છે. મોટા રામજી મંદિરથી નીકળેલી આ 54મી રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ ઉપર યોજાઇ છે. રથયાત્રામાં એક હાથી, ત્રણ સિંહાસન બગી સહિત ઓપરેશન સિંદૂરની થીમ પરના ટેબલો તેમજ અખાડાઓના કરતબો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શહેરના જાહેર માર્ગો " કૃષ્ણ કનૈયા લાલ કી જય" અને "જય રણછોડ માખણ ચોર"ના નાદે ગુંજી ઉઠ્યા છે. વહેલી સવારે મોટા રામજી મંદિરથી નીકળેલી આ રથયાત્રાનો બપોરે શહેરના જોહનારા બાગ વિસ્તારમાં પહોંચશે. જ્યાં બ્રહ્મર્ષિ હોલ ખાતે રથયાત્રાનો વિસામો રખાયો છે. વિસામો લીધા બાદ ફરી ભગવાન જગન્નાથજી શહેરની નગર ચર્યાએ નીકળશે અને મોડી સાંજે પરત નિજ મંદિરે ફરશે. રથયાત્રા જે માર્ગો પરથી પસાર થઈ રહી છે ત્યાં ઠેર ઠેર ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શહેરના જાહેર માર્ગો ભગવાન જગન્નાથજીના દર્શનાર્થીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે.

(4:09 PM IST)