<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા: ભક્તોનું ઘોડાપૂર

ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું : નિજ મંદિરે ભક્તોની ભીડ જામી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે. 

27 જૂન, 2025 એટલે અષાઢી બીજના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઈનોમાં ગોઠવાઈ જાય છે. પરંતુ ભગવાન જગન્નાથજી નગરચર્યા કરી નીજ મંદિરે પરત ફર્યા પછી આખી રાત મંદિરની બહાર રથમાં વિતાવે છે.

એવી લોકવાયકા છે કે, ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવ અને  બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા. પરંતુ આ રથયાત્રામાં પત્ની રુક્મિણીને લીધા વગર જ જાય છે તેથી પત્ની રુક્મિણી રિસાઈ જાય છે. જ્યારે ભગવાન નગરચર્યા કરી નીજ મંદિરે પરત આવે છે, ત્યારે રિસાયેલા રુક્મિણીજી ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતાં નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. તે પછી આખી રાત રિસામણા મનામણા ચાલે છે, ત્યારે વહેલી સવારે જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્ની રુક્મિણીને કહે છે કે, 'હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રુક્મિણીને મનાવી લે છે. એ પછી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નીજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

આ સાથે વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે ભગવાન ખૂદ નગરચર્યાએ બહાર નીકળે છે. ત્યારે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે ભગવાનને ભક્તોની નજર લાગી જાય છે, ત્યારે સૌથી પહેલા ભગવાનની નજર ઉતારવામાં આવે છે. પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ કર્યા ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવે છે. 

(9:40 PM IST)