News of Saturday, 28th June 2025
નરોડામાં એક યુવક પાણીમાં પડી જતા નહીં પણ સાથી કર્મીઓએ માર મારતા મોત થયાનો ઘટસ્ફોટ
યુવક બે સાથીકર્મી સાથે આંટો મારવા ગયો ત્યાં અંદરોઅંદર ઝઘડો થતા બંને શખ્સોએ યુવકને માર મારીને પાણીના નાળામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું:યુવકના ભાઇએ બંને શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અમદાવાદ : ભારે વરસાદમાં નરોડામાં એક યુવક પાણીમાં પડી જતા મોત થયાનું સામે આવ્યું હતુ, પરંતુ તે કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.
યુવક બે સાથીકર્મી સાથે આંટો મારવા ગયો હતો, ત્યાં અંદરોઅંદર ઝઘડો થતા બંને શખ્સોએ યુવકને માર મારીને પાણીના નાળામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે યુવકના ભાઇએ બંને શખ્સો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
રાજસ્થાનમાં રહેતા ચુનારામ પરમાર ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો નાનોભાઇ 38 વર્ષીય વચનારામ પરમાર નરોડા જીઆઇડીસીમાં ફેકટરીમાં નોકરી કરતો હતો. ગત 26 જૂને ચુનારામ પર વચનારામના ઠેકેદાર લાદુસીંગજીનો ફેન આવ્યો હતો અને જણાવ્યુ કે તમારો ભાઇ નાળામાં પડયો છે અને બોલી રહ્યો નથી. જેથી ચુનારામ તાત્કાલિક અમદાવાદ આવ્યા હતા. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે વચનારામ સાથે ભાવેશ અંસારી અને અક્ષય સાથે કામ કરતા હતા. ગત 25 જૂને રાત્રીના સમયે ત્રણેય આંટો મારવા નીકળ્યા હતા. તે દરમ્યાન ત્રણેયને અંદરો અંદર ઝઘડો થયો હતો. જેથી ભાવેશ અને અક્ષયે ભેગા મળીને વચનારામને માર મારતા તે બેભાન થઈ ગયો હતો. બાદમાં બંનેએ તેને પાણીના નાળામાં નાખી દીધો હતો, જેથી વચનારામનું મોત થયું હતું. આ અંગે ચુનારામે ભાવેશ અને અક્ષય સામે નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
