<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો હાથ :કડક તપાસ નહીં કરાય તો કચેરીઓને ઘેરાવ કરશું : ચૈતર વસાવાની ચીમકી

કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં:અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું

અમદાવાદ :મનરેગા કૌભાંડ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી છે. હવે તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે.

 

વધુમાં કહ્યું કે, કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધા હતા. ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એક પણ વખત રેતી કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કર્યા હતા. હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા છે.

 

આરોપ લગાવતા કહ્યું કે, પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા હતા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા હતા. મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે.

 

આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે. જો આ કૌભાંડની કડક તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું.

(10:56 AM IST)